Pakistan ના કપરા સમયમાં ભારત આવ્યું વ્હારે, પડોશી દેશને આ રીતે કરશે મદદ
પાકિસ્તાન (Pakistan) ભલે ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવાનો કોઈ મોકો ન છોડે પણ ભારતે આમ છતાં કોરોના સામેની જંગમાં તેને મદદ કરવાનું નક્કી કરીને સમગ્ર વિશ્વ સમક્ષ એક મિસાલ રજૂ કરી છે.
ઈસ્લામાબાદ: પાકિસ્તાન (Pakistan) ભલે ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવાનો કોઈ મોકો ન છોડે પણ ભારતે આમ છતાં કોરોના સામેની જંગમાં તેને મદદ કરવાનું નક્કી કરીને સમગ્ર વિશ્વ સમક્ષ એક મિસાલ રજૂ કરી છે. પાકિસ્તાન ભારતીય રસી (Corona Vaccine) ના સહારે કોરોના સામે જંગ લડશે. તેને આ રસી ઈન્ટરનેશનલ અલાયન્સ GAVI દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને તો પહેલેથી જ કહી દીધુ છે કે પાકિસ્તાન કોરોના વેક્સિન ખરીદશે નહીં. દેશની આર્થિક સ્થિતિ ખુબ ડામાડોળ છે ત્યારે તેમના માટે મેડ ઈન ઈન્ડિયા રસીના 4.5 કરોડ ડોઝ કોઈ વરદાનથી કમ નહીં હોય.
જલદી મળશે રસીના ડોઝ
પાકિસ્તાન (Pakistan) ના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાના સચિવ આમિર અશરફ ખ્વાજાએ જણાવ્યું કે પાકિસ્તાનને ભારતમાં બનેલી કોરોના રસી (Corona Vaccine) ના ડોઝ આ મહિને મળશે. ખ્વાજાએ કહ્યું કે હાલ પાકિસ્તાનમાં ફ્રન્ટ લાઈન વર્કર અને વરિષ્ઠ નાગરિકોને રસી આપવામાં આવી રહી છે. નોંધનીય છે કે પાકિસ્તાન હાલ ચીન તરફથી મળેલી રસીનો ઉપયોગ કરી રહ્યું છે. પરંતુ એકલા ચીનના દમ પર તે કોરોના સામે જંગ લડી શકે તેમ નથી.
20 ટકા વસ્તી થશે કવર
પાકિસ્તાનને ભારત નિર્મિત ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા (Oxford-AstraZeneca) કોરોના રસીના મફત ડોઝ આપવામાં આવશે. જે દેશની 20 ટકા વસ્તીને કવર કરશે. અત્રે જણાવવાનું કે ભારત 65 દેશોને કોવિડ-19 રસીની આપૂર્તિ કરી રહ્યું છે. જ્યારે અનેક દેશોએ અનુદાનના આધારે રસી મેળવી છે. અમારી સહયોગી વેબસાઈટ WION માં પ્રકાશિત અહેવાલ મુજબ અત્યાર સુધીમાં ભારતે પાકિસ્તાનને બાદ કરતા અફઘાનિસ્તાન, માલદીવ, નેપાળ, ભૂટાન, અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોને કોરોના રસી ઉપલબ્ધ કરાવી છે. જ્યાં ભારતીય રસીની મદદથી રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે.
શું છે GAVI?
પાકિસ્તાનને ગ્લોબલ અલાયન્સ ફોર વેક્સીન્સ એન્ડ ઈમ્યુનાઈઝેશન (Global Alliance for Vaccines and Immunisation-Gavi) દ્વારા ભારતમાં બનેલી રસી મળશે. વર્ષ 2000 માં સ્થાપિત આંતરરાષ્ટ્રીય સંસ્થા ગાવીનો હેતુ દુનિયાના ગરીબ દેશોને એવી બીમારીઓની રસી ઉપલબ્ધ કરાવવાનો છે જેમને રસી દ્વારા રોકી શકાય છે. કોરોના સામે જંગમાં ગરીબ દેશોની મદદ માટે આ હેઠળ જ રસી પહોંચાડવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર પહેલા જ કહી ચૂક્યું છે કે તમામ દેશોને રસી ઉપલબ્ધ કરાવવી જોઈએ જેથી કરીને આર્થિક સ્થિતિ મહામારીથી બચવામાં બાધા ન બને.
ચીને આપી છે કોરોના રસી
પાકિસ્તાનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સચિવે જણાવ્યું કે ચીનની ફાર્માસ્યૂટિકલ કંપની સિનોફાર્મ (Sinopharm) એ પાકિસ્તાનને કોરોના રસીના 10 લાખ ડોઝ આપવાનું વચન આપ્યું છે. જેમાંથી 5 લાખ ડોઝ પાકિસ્તાનને મળી ગયા છે. બાકીના પણ જલદી મળશે. તેમણે કહ્યું કે અત્યાર સુધી મળેલી રસીમાં પાકિસ્તાને 2 લાખ 75 હજાર ડોઝ સ્વાસ્થ્યકર્મીઓને આપ્યા છે. પાકિસ્તાનનો લક્ષ્યાંક આ વર્ષના અંત સુધીમાં 7 કરોડ લોકોને રસી આપવાનો છે.
આ રીતે કરશે કોરોનાનો સામનો
થોડા દિવસ પહેલા આમિર અશરફ ખ્વાજાએ પબ્લિક એકાઉન્ટ્સ કમિટીની બ્રિફિંગ દરમિયાન કહ્યું હતું કે હાલ પાકિસ્તાનની કોરોના રસી ખરીદવાની કોઈ યોજના નથી. અમે હર્ડ ઈમ્યુનિટી અને મિત્ર દેસો પાસેથી ભેટમાં મળનારી કોરોના રસીથી જ કોરોનાનો સામનો કરીશું. અત્રે જણાવવાનું કે હર્ડ ઈમ્યુનિટી ત્યારે ડેવલપ થાય છે જ્યારે મોટી સંખ્યામાં લોકો સંક્રમિત બીમારીથી પ્રભાવિત થયા બાદ તેનાથી ઈમ્યુન થઈ જાય છે.
Farmers Protest પર બ્રિટનની સંસદમાં ચર્ચા, બ્રિટિશ સરકારે આપ્યું મોટું નિવેદન
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube