વોશિંગ્ટન: ભારત અને પાકિસ્તાનના સંબંધો તે સમયે તણાવપૂર્ણ થઈ ગયા હતા જ્યારે પાકિસ્તાને કહ્યું હતું કે તે ભારત સાથે યુદ્ધ માટે પણ તૈયાર છે. હવે સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકા ગયેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમૂદ કુરૈશના સૂર બદલાઈ ગયા છે. અલ જઝીરા ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં કુરેશીએ કહ્યું કે ભારત સાથે યુદ્ધ કોઈ વિકલ્પ નથી. અમે વાતચીતના રસ્તે આગળ વધી શકીએ છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુરેશીએ કહ્યું કે પાકિસ્તાનની નવી સરકાર ભારત અને અમેરિકા સાથે સંબંધોને મજબુત કરવા પર ગંભીરતાથી કામ કરી રહી છે. બીબીસી ઉર્દૂને આપેલા એક ઈન્ટરવ્યુંમાં દક્ષિણ એશિયાઈ મામલે મુખ્ય ઉપસચિવ એલિસ વેલ્સે કહ્યું કે દક્ષિણ એશિયાના વિકાસ માટે સૌથી વધુ જરૂરી છે વિસ્તારમાં શાંતિ. પાકિસ્તાનને અમે તેને ઉપર કામ કરવા જણાવ્યું છે. 


કુરેશીએ બંને દેશો વચ્ચે વાતચીતના મુદ્દે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની 26 જુલાઈની વાત યાદ કરાવી, જેમાં તેમણે ભારત સાથે વાતચીતની રજુઆત કરી હતી. કુરેશીના જણાવ્યાં મુજબ બંને દેશો વચ્ચે અનેક મહત્વના મુદ્દા છે. બંને પરમાણુ સંપન્ન છે. આવામાં બંને વચ્ચે યુદ્ધ કોઈ વિકલ્પ નથી. તેનો ઉપાય મિલેટ્રી હોઈ શકે નહીં. તેનો એક માત્ર વિકલ્પ વાતચીત છે. 


ભારત અને પાકિસ્તાનના સંબંધો ત્યારે વધારે નાજુક બની ગયા હતાં જ્યારે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની વાતચીતનું આમંત્રણ ભારતે ઠુકરાવ્યું હતું. હકીકતમાં પહેલા તો ભારતે આમંત્રણ સ્વીકાર્યું હતું પરંતુ એલઓસી પર એક જવાન સાથે પાકિસ્તાની બર્બરતા બાદ ભારત સરકારે પોતાનો નિર્ણય બદલ્યો હતો. ત્યારબાદ ઈમરાન ખાને પણ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે શાંતિ વાર્તા બહાલ કરવાની મારી પહેલ પર ભારતના અહંકારી અને નકારાત્મક જવાબથી હું નિરાશ છું. જો કે હું મારા જીવનમાં મોટા પદ પર બેઠેલા આવા નાના લોકોને મળ્યો છે જેમની પાસે મોટી તસવીર જોવાનો દ્રષ્ટિકોણ નથી. ત્યારબાદ ભારત સરકાર દ્વારા નિવેદન પર નારાજગી વ્યકત કરવામાં આવી હતી.