મનીલાઃ તાજેતરમાં જ ફિલિપિન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતર્તેએ જણાવ્યું છે કે, જ્યાં સુધી આ વિશ્વમાં સુંદર મહિલાઓનું અસ્તિત્વ છે ત્યાં સુધી બળાત્કારની ઘટનાઓ બનતી રહેવાની છે. પ્રથમ વિનંતી પર કઈ મહિલા સંબંધ બાંધવા તૈયાર થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલિપિન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતર્તે આવા વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે જાણીતા છે, પરંતુ તાજેતરના નિવેદને તેમને મુશ્કેલીમાં મુકી દીધા છે. તેમણે બળાત્કાર માટે બીજી જાતિને જવાબદાર ઠેરવી દીધી છે. દુતર્તેએ તાજેતરમાં આપેલા એક ભાષણમાં જણાવ્યું હતું કે, તેમના ગૃહનગર દાવાઓમાં બળાત્કારની ઘટનાઓ વધી ગઈ છે. શહેરના લોકો મેયર પાસેથી આવી ઘટનાઓ રોકવાની અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી સુંદર મહિલાઓ શહેરમાં હશે, ત્યાં વધુને વધુ આવી ઘટનાઓ ઘટતી રહેવાની છે. 


તેઓ આટલેથી જ અટક્તા નથી. સમગ્ર વિશ્વમાં જે અપરાધને એક અધમ અપરાધ ગણવામાં આવે છે તેના વિશે એક કદમ આગળ વધતાં દુતર્તે જણાવે છે કે, "પ્રથમ વિનંતી કરતા સમયે કોણ તૈયાર થાય છે? શું મહિલાઓ રાજી થઈ જાય છે? ના, તેઓ તૈયાર થતી નથી. એક પણ મહિલા સેક્સની પ્રથમ વિનંતી પર સીધી તૈયાર થઈ જતી નથી."


જોકે, તેમના પ્રવક્તાએ પાછળથી આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, દુતર્તે આમ કહેવા માટે ગંભીર ન હતા. તેઓ તો માત્ર મજાક કરી રહ્યા હતા. જોકે, તેમના ભાષણ દરમિયાન આ મજાક પર કોઈ હસતું જોવા મળ્યું ન હતું. 


બીજી બાજુ સમગ્ર વિશ્વના મહિલા જૂથ તેમના વિરોધમાં ઉતરી આવ્યા છે. તેમણે જણાવ્યું કે, એક રાષ્ટ્રપતિ પદે બિરાજમાન વ્યક્તિ જાહેરમાં આવું બોલે તે યોગ્ય નથી. સાથે જ દુતર્તેના પોતાના દેશમાં પણ લોકો તેમના આ નિવેદનનો વિરોધ કરી રહ્યા છે. આ અગાઉ તેણે ઈશ્વરના અસ્તિત્વ વિશે જ સવાલ કરી નાખ્યો હતો અને એટલું જ નહીં ભગવાનને તેમણે મૂર્ખ ઠેરવ્યા હતા. તેના પહેલાં તેમના દેશમાં રહેલા અમેરિકાના રાજદૂતને ગે જણાવ્યા હતા.