ફ્લોરિડા: રસ્તા પર ચાલતા ચાલતા જ્યારે કોઈ કાર ઝડપથી પસાર થાય છે ત્યારે બધાના હ્રદયના ધબકારા વધી જાય છે. વિચારો કે જ્યારે રસ્તા પર કોઈ ગાડી નહીં પરંતુ તમારી આંખોની સામે પ્લેન ક્રેશ થઈ જાય તો શું હાલત થાય. એકવારમાં આ સાંભળવું જરાક અટપટું લાગે કે રસ્તા પર અને પ્લેન ક્રેશ.... પરંતુ આ દુર્ઘટના ઘટી છે. અમેરિકાના ફ્લોરિડામાં પોલીસની ગાડી પેટ્રોલિંગ કરી રહી હતી અને ત્યારે જ  ગાડીમાં સવાર પોલીસકર્મીઓએ એક નાના પ્લેનને રસ્તા પર આડુ અવળું જતું જોયું. પ્લેનને આટલા નજીકથી જોઈને બધા સ્તબ્ધ થઈ ગયાં. જોત જોતામાં તો આગળ જઈને પ્લેન ક્રેશ થઈ ગયું. આ સમગ્ર ઘટના પોલીસ વેનમાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ, આ ઘટના 19 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યાની છે. ચાર્ટર્ડ પ્લેન આગળ જઈને જોરદાર ધડાકા સાથે રસ્તા પર અથડાતું રસ્તાના કિનારે આવેલા વૃક્ષો સાથે ટકરાય છે. પ્લેનનો પીછો કરી રહેલી પોલીસ વેન તરત ઘટના સ્થળે પોહંચી અને પ્લેનમાં બેઠેલા લોકોની મદદ કરી. આ નાના ચાર્ટર્ડ પ્લેનમાં બે લોકો સવાર હતાં. જેમને અકસ્માતમાં સામાન્ય ઈજાઓ થઈ છે પરંતુ તેઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત હતાં. વીડિયોમાં કેદ થયેલી આ ઘટનામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પ્લેન કેટલું ઝડપથી રસ્તા તરફ આગળ વધી રહ્યું છે અને એક જોરદાર ધડાકા તથા ધુળના ગોટો સાથે ક્રેશ થાય છે. 



પ્લેનનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. પ્લેનને રસ્તાની બરાબર ઉપર ઉડતા જોઈને રસ્તા પર દોડી રહેલા વાહનોના પૈડા થંભી જાય છે. પ્લેન ક્રેશનો ફોટો અને વીડિયો ફ્લોરિડાના ફાયર અને રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટના ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે.