પાકિસ્તાનના ત્રણવાર પીએમ રહી ચૂકેલા નવાઝ શરીફે પીએમ મોદીને ત્રીજીવાર શપથ લેવા બદલ શુભેચ્છા પાઠવી તો ભારતીય પ્રધાનમંત્રીએ પાકિસ્તાનના નેતાને એ સ્પષ્ટ પણ કર્યું કે ભારત માટે પોતાના નાગરિકોની સુરક્ષા સૌથી પહેલા છે. આમ તો પાકિસ્તાનના પીએમ શાહબાજ શરીફે પણ પીએમ મોદીને શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો પરંતુ તેમના મોટા ભાઈ નવાઝ શરીફના સંદેશમાં ઉષ્મા વધુ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમએલ-એન પ્રમુખ નવાઝ શરીફે માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સ પર લખ્યું કે ત્રીજીવાર પ્રધાનમંત્રી બનવા બદલ મોદીજીને મારી હાર્દિક શુભેચ્છાઓ. હાલની ચૂંટણીઓમાં તમારી પાર્ટીની સફળતા તમારા નેતૃત્વમાં લોકોનો વિશ્વાસ દર્શાવે છે. આ સાથે જ તેમણે ભારત સાથે મિત્રતાની પહેલ પણ કરી. 


શરીફે વધુમાં લખ્યું કે આવો આપણે નફરતની જગ્યાએ આશા લાવીએ અને આ અવસરનો લાભ ઉઠાવતા દક્ષિણ એશિયાના બે અબજ લોકોનું ભાવિ સંવારીએ. પીએમ મોદીએ નવાઝ શરીફના સંદેશના વખાણ કર્યા પરંતુ સાથે સાથે ભારતનું વલણ  પણ સ્પષ્ટ કરી દીધુ. પીએમ મોદીએ લખ્યું કે ભારતના લોકો હંમેશા શાંતિ અને સુરક્ષા તથા પ્રગતિશીલ વિચારોના પક્ષમાં રહ્યા છે. આપણા લોકોની ભલાઈ અને સુરક્ષાને આગળ વધારવી એ હંમેશા આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. 



પીએમ મોદીનો સ્પષ્ટ સંદેશ
પીએમ મોદીનો સંદેશ સ્પષ્ટ દર્શાવે છે કે મોદી 3.0માં પણ ભરતનું વલણ એ જ રહેશે કે જો પાકિસ્તાને ભારત સાથે મિત્રતા કરવી હોય તો પહેલા તેણે આતંકવાદ અને આતંકવાદીઓને પોષવું  બંધ કરવું પડશે. ભારતે અગાઉ પણ કહ્યું છે કે પાકિસ્તાન સાથે વાત ત્યારે જ શક્ય છે જ્યારે તે ખાતરી અપાવે કે તે ભારત વિરુદ્ધ પોતાના ઝેરીલા મનસૂબાઓને રોકવા માંગે છે. વિશ્લેષકોનું માનવું છે કે મોદીએ પોતાના સંદેશમાં પાકિસ્તાન સાથે સંબંધને સામાન્ય બનાવવા માટે સરહદ પારથી આતંકવાદને સમાપ્ત કરવાની શરત અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. 


અત્રે જણાવવાનું કે નવાઝ શરીફ ભારત સાથ મિત્રતાપૂર્ણ સંબંધોના પક્ષમાં રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ભારત સાથે મિત્રતાને આગળ વધારી હતી. નવાઝ શરીફના બીજા કાર્યકાળ દરમિયાન જ તત્કાલિન ભારતીય પ્રધાનમંત્રી અટલબિહારી બાજપેયી બસથી લાહોર ગયા હતા. જ્યાં બંને પક્ષોએ પેન્ડિંગ મુદ્દાઓને વાતચીતથી ઉકેલવા પર સહમતિ જતાવી હતી પરંતુ થોડા મહિના બાદ જ પાકિસ્તાને દગો કરીને કારગીલમાં ઘૂસણખોરી કરી બધુ વેરવિખેર કરી નાખ્યું. 


લાહોરમાં હાલમાં જ થયેલા કાર્યક્રમમાં નવાઝ શરીફે જાહેરમાં કારગિલમાં પાકિસ્તાને કરેલી કરતૂત બદલ ભૂલ સ્વીકારી અને કહ્યું કે આમ કરીને પાકિસ્તાને શાંતિની શરતોનો ભંગ કર્યો હતો. નવાઝ શરીફના પીએમ મોદીને આપેલા શુભેચ્છા સંદેશ બાદ પાકિસ્તાન સોશિયલ મીડિયામાં હવે ચર્ચા છેડાઈ છે.