રશિયાના કઝાન શહેરમાં આજે  એક ઐતિહાસિક મીટિંગ થવા જઈ રહી છે. જેના પર અમેરિકા સહિત સમગ્ર દુનિયાની નજર છે. આ મીટિંગમાં એશિયાના બે દિગ્ગજ દેશોના રાષ્ટ્ર પ્રમુખ 5 વર્ષ બાદ એક ટેબલ પર બેસીને ઔપચારિક વાત કરવાના છે. આજે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થવાની છે. દુનિયાભરમાં ભારે ઉથલપાથલ વચ્ચે અલગ અલગ દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આ બેઠક અનેક રીતે મહત્વની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિનપિંગ અને પીએમ મોદીનો આમનો સાનો આ અગાઉ 2019માં બ્રાઝીલમાં યોજાયેલી બ્રિક્સ શિખર સંમેલનમાં થયો હતો અને હવે 2024માં બ્રિક્સ સંમેલન વખતે બંને નેતાઓ મુલાકાત કરશે. રશિયાના કઝાન શહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ બંને નેતાઓ વચ્ચે થનારી દ્વિપક્ષીય મંત્રણાની પુષ્ટિ કરી છે. મિસ્ત્રીએ કહ્યું કે બંને રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે આ બેઠક બ્રિક્સ સંમેલન દરમિયાન 23 ઓક્ટોબરે થશે. જો કે સમય બુધવારે જ નક્કી થશે. 


ફાઈવ આઈઝને કડક જવાબ
ભારત પર કેનેડા છેલ્લા કેટલાક દિવસથી પાયાવિહોણા આરોપ લગાવી રહ્યું છે. જેમાં અમેરિકા સહિત અનેક ફાઈવ આઈઝ સભ્ય રાષ્ટ્રો પણ તેમાં સૂર પૂરાવતા જોવા મળ્યા છે. જિનપિંગ અને પીએમ મોદીની આ બેઠકને ફાઈવ આઈઝ ગ્રુપ વિરુદ્ધ કડક જવાબ તરીકે પણ જોવામાં આવી રહી છે. અત્રે જણાવવાનું કે જો ચીન સાથે સંબંધમાં સુધાર આવશે તો ભારતની પશ્ચિમી દેશો સાથે સારા સંબંધની નિર્ભરતા ઘણી હદ સુધી ઓછી થશે. 


બંને દેશોએ શરૂ કર્યું પેટ્રોલિંગ
પૂર્વ લદ્દાખમાં એલએસી પર પેટ્રોલનિંગને લઈને ભારત અને ચીન વચ્ચે એક નવી સહમતી બન્યા બાદ આજે બંને દેશો વચ્ચે આ બેઠક થઈ રહી છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ એક નિવેદનમાં કહ્યું હતું કે પૂર્વ લદાખમાં એલએસી પર ભારત અને ચીન ડેમચોક અને દેપસાંગથી પોતાની સેનાઓને પાછળ હટાવવા અને વિસ્તારમાં ફરીથી પહેલાની જેમ પેટ્રોલિંગ શરૂ કરવા પર સહમત થઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે બંને દેશોની સેનાઓએ પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને સૈનિકોને પાછળ હટાવવાની પ્રક્રિયા પણ આગામી દિવસોમાં શરૂ થઈ જશે. 


ચીને પણ મંગળવારે એલએસી પર તણાવ ઓછો કરવા માટે ભારત સાથે સૈન્ય સમજૂતિની પુષ્ટિ કરી હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે પ્રાસંગિક મામલાઓ પર એક પ્રસ્તાવ પર પહોંચી ગયા છીએ અને આ પ્રસ્તાવોને લાગૂ કરવા માટે અમે ભારત સાથે મળીને કામ કરીશું.