નવી દિલ્હી: નેપાળમાં ચાલી રહેલા બિમ્સ્ટેક એટલે કે 'બે ઓફ બંગાળ ઈનિશિએટીવ ફોર મલ્ટી સેક્ટોરોલ ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન' સંમેલનનો આજે બીજો અને છેલ્લો દિવસ છે. આજે સભ્ય દેશોના નેતાઓ એકબીજા સાથે મુલાકાત કરશે. બિમ્સ્ટેક બેઠકના સમાપન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશુપતિનાથ ધર્મશાળાનું ઉદ્ધાટન કરશે. લગભગ 400 લોકોના રહેવાની વ્યવસ્થાવાળી આ ધર્મશાળા ભારત-નેપાળ મૈત્રીનું પ્રતિક છે. શુક્રવારે બપોરે આ સંમેલન પૂરું થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પણ આ બેઠકમાં ભાગ લીધો હતો અને તમામ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ એનઆરસી વિવાદ વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે પણ મુલાકાત કરી હતી. 


અત્રે જણાવવાનું કે વર્ષ 2014માં વડાપ્રધાન મોદીની પહેલી નેપાળ યાત્રા દરમિયાન તેના નિર્માણમાં મદદની જાહેરાત કરાઈ હતી. ભારતે આ ધર્મશાળા બનાવવા માટે 25 કરોડ રૂપિયાની મદદ કરી છે. પીએમ મોદી આ અગાઉ પશુપતિનાથ મંદિર 12મેના રોજ આવ્યાં હતાં. તે સમયે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું હતું. પીએમ મોદી આજે જનસભાને પણ સંબોધિત કરશે. 


શું છે બિમ્સટેક?
બિમ્સટેકમાં સાત દેશો બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, મ્યાંમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડ સામેલ છે. સામેલ દેશોની કુલ વસ્તી 1.5 અબજ છે. દુનિયાની રીતે જોવા જઈએ તો તે દુનિયાની કુલ વસ્તીની 21 ટકા છે. આ સમૂહમાં સામેલ દેશોની કુલ જીડીપી 2500 અબજ ડોલર છે. બિમ્સટેક સંમેલન બે વર્ષ બાદ થયું છે, આ અગાઉ તે ભારતના ગોવામાં થયું હતું. 


આ મુદ્દાઓ પર અપાયો ભાર
આ બેઠકમાં સભ્ય દેશો વચ્ચે આતંકવાદ સહિત સુરક્ષાના વિવિધ વિસ્તાર, માદક પદાર્થોની તસ્કરી, સાઈબર અપરાધ, પ્રાકૃતિક આફતો ઉપરાંત કારોબાર તથા સંપર્ક સંલગ્ન વિષયો પર ચર્ચા થઈ અને આપસી સહયોગને મજબુત કરવા પર ભાર મૂકાયો. 


શ્રીલંકાની મદદ માટે હાથ લંબાવ્યો
સંમેલનના પહેલા દિવસે વડાપ્રધાન મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેના સાથે બેઠક કરી હતી. બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે થયેલી આ બેઠકમાં ભારત-શ્રીલંકા વચ્ચેના સંબંધોના વિવિધ પહેલુઓ પર વિસ્તૃત ચર્ચા થઈ. આ સાથે જ વડાપ્રધાને શ્રીલંકાને તેની ઈચ્છા મુજબ મદદ કરવાની વાત કરી.