કુઆલાલંપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મલેશિયાના નવા ચૂંટાઈ આવેલા વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓએ રણનીતિક ભાગીદારીને મજબુત બનાવવા પર સકારાત્મક ચર્ચા કરી. ત્રણ દેશોના પ્રવાસના બીજા ચરણમાં આજે પીએમ મોદી મલેશિયા પહોંચ્યા હતાં. ત્યાં તેમણે પુત્રાજ્યાના પેરદાના પુત્ર કોમ્પલેક્સ સ્થિત મહાતિરના કાર્યાલયમાં તેમની સાથે મુલાકાત કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે ટ્વિટ કરીને જણાવ્યું કે અમારી રણનીતિક ભાગીદારીને મજબુત બનાવવાના સંબંધમાં બંને નેતાઓએ સકારાત્મક ચર્ચા કરી. વડાપ્રધાને ડોક્ટર મહાતિરને મલેશિયાના વડાપ્રધાન બનવા બદલ શુભેચ્છા પાઠવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મલેશિયાના વડાપ્રધાન તરીકે 92 વર્ષના મહાતિર મોહમ્મદે 10મી મેના રોજ શપથ લીધા હતાં. મહાતિરના નેતૃત્વમાં વિપક્ષી ગઠબંધને હાલમાં જ પૂરી થયેલી સામાન્ય ચૂંટણીઓમાં બારિસન નેશનલ (બીએન) ગઠબંધન પર અભૂતપૂર્વ જીત મેળવી હતી. આ ગઠબંધન 1957થી સત્તા ભોગવી રહ્યું હતું.


આ અગાઉ વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મોદી ભારત-મલેશિયાના સહયોગના વિભિન્ન પહેલુઓ પર મહાતિરની સાથે ચર્ચા કરશે. કુમારે ટ્વિટ કરી હતી કે મલેશિયા એક રણનીતિક ભાગીદાર અને અમારી ઈસ્ટ એક્ટ નીતિમાં પ્રાથમિકતાવાળો દેશ છે.



મોદી અને મહાતિર વચ્ચે વ્યાપાર અને રોકાણ ઉપર પણ ચર્ચા થવાની શક્યતા છે. નવી દિલ્હીમાં મોદીએ કહ્યું હતું કે ઈન્ડોનેશિયાથી સિંગાપુર જવા દરમિયાન તેઓ થોડા સમય માટે મલેશિયામાં રોકાઈને મહાતિર સાથે મુલાકાત કરશે અને નવા નેતૃત્વને શુભેચ્છા પાઠવશે.


મલેશિયાથી પીએમ મોદી સિંગાપુર જશે જ્યાં તેઓ વાર્ષિક સુરક્ષા બેઠક શાંગરી લા ડાયલોગમાં પહેલી જૂનના રોજ મહત્વપૂર્ણ સંબોધન કરશે. ઈન્ડોનેશિયાનો પહેલો સરકારી પ્રવાસ દરમિયાન મોદીએ રાષ્ટ્રપતિ જોકો વિદોદો સાથે સકારાત્મક ચર્ચા કરી હતી. ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે રક્ષા સહયોગ વધારવા અને હિંદ પ્રશાંત ક્ષેત્રમાં નૌવહનની સ્વતંત્રતા સહિત 15 કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં.