સિંગાપુર: ફિનટેક ફેસ્ટિવલમાં બોલ્યા PM મોદી-છેલ્લા 12 માસમાં ડિજિટલ પેમેન્ટ 100% વધ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપુરમાં ફિનટેક કંપનીઓના સૌથી મોટા કાર્યક્રમ (ફિનટેક ફેસ્ટિવલ)માં 30,000થી વધુ પ્રતિનિધિઓને સંબોધન કરતા કહ્યું કે વિકાસ અને ગરીબો માટે અમે સરકારમાં આવ્યાં.
સિંગાપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપુરમાં ફિનટેક કંપનીઓના સૌથી મોટા કાર્યક્રમ (ફિનટેક ફેસ્ટિવલ)માં 30,000થી વધુ પ્રતિનિધિઓને સંબોધન કરતા કહ્યું કે વિકાસ અને ગરીબો માટે અમે સરકારમાં આવ્યાં. જનધન યોજનાથી દેશની દરેક વ્યક્તિ બેંક સાથે જોડાઈ. આધાર અને જનધન યોજનાથી લોકોને ખુબ ફાયદો થયો. વડીલો અને વિદ્યાર્થીઓ માટે અનેક નવી યોજનાઓ તૈયાર કરવામાં આવી. છેલ્લા સ્તરના વ્યક્તિ સુધી યોજનાઓનો ફાયદો પહોંચાડવામાં આવ્યો. ભારત દુનિયામાં સૌથી વધુ મોબાઈલ બનાવનારો દેશ બની રહ્યો છે.
પીએમ મોદીના સંબોધનના મુખ્ય અંશ....
- છેલ્લા 12 મહિનામાં ડિજિટલ પેમેન્ટ 100 ટકા વધ્યું.
- હવે 59 મિનિટમાં એક કરોડ રૂપિયા સુધીની લોન મળી જાય છે.
- ડિજિટલ પેમેન્ટથી સમય બચે છે અને રૂપિયા પણ.
- જેમની પાસે મોબાઈલ નથી તેઓ આધાર દ્વારા ચૂકવણી કરે.
- હજુ પણ કરોડો લોકોને બેંકિંગ વ્યવસ્થામાં સામેલ કરવાના છે.
- ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ સૌથી વધુ થાય છે.
- ભારતનો ખુબ વિકાસ થયો છે, હજુ ઘણો બાકી છે.
- ટેક્નોલોજીમાં મોટા ફેરફારનો સમય છે.
- ફિનટેક માટે ગ્લોબલ પ્લેટફોર્મ લોન્ચ કરવાનું છે.
- સિંગાપુર હવે નાણાકીય સેવાઓનું હબ બની ગયું છે.
- દુનિયા હવે ડિજિટલ થવા જઈ રહી છે.
અત્રે જણાવવાનું કે પીએમ મોદી પૂર્વ એશિયાઈ શિખર સંમેલન તથા આસિયાનની બેઠક સહિત અને કાર્યક્રમોમાં ભાગ લેવા માટે બે દિવસના સિંગાપુરના પ્રવાસે છે. (14 નવેમ્બરથી 15 નવેમ્બર). પીએમ મોદી મંગળવારે રાતે સિંગાપુરના 36 કલાકના બે દિવસના પ્રવાસ માટે રવાના થયા હતાં. આ પ્રવાસ દરમિયાન તેઓ પૂર્વી એશિયાઈ સંમેલન, આસિયાન-ભારત અનૌપચારિક બેઠક, ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી બેઠકમાં ભાગ લેશે અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
સિંગાપુરના પ્રવાસ દરમિયાન તેમનો પહેલો કાર્યક્રમ સિંગાપુર ફિનટેક સંમેલનમાં તેમનું સંબોધન હતો. વિદેશ મંત્રાલયના પ્રવસ્તા રવીશકુમારે ટ્વિટ કરીને કહ્યું હતું કે એક્ટ ઈસ્ટ પોલિસી પર ધ્યાન યથાવત છે. મોદી 13માં પૂર્વી એશિયાઈ સંમેલન, આસિયાન-ભારત બ્રેકફાસ્ટ સંમેલન અને આરસીઈપી સંમેલનમાં ભાગ લેવા માટે રવાના થયા હતાં.
આ બાજુ સિંગાપુર પ્રવાસે રવાના થતા પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે આસિયાન-ભારત તથા પૂર્વી એશિયા સંમેલનોમાં તેમની ભાગીદારી આસિયાનના સભ્ય દેશો તથા વ્યાપક ભારત-પ્રશાંત ક્ષેત્ર સાથે સંબંધો મજબુત બનાવવાના ભારતના સતત સંકલ્પનું પ્રતિક છે.