નવી દિલ્હી: લિબિયાથી આવેલા એક સમાચારે પાકિસ્તાન સરકારની ઊંઘ ઉડાવી દીધી છે. હકીકતમાં લિબિયામાં સ્થિત તુર્કીના અલ વાટિયા એરબેસ પર રાફેલ વિમાન (Rafale Jets)થી જબરદસ્ત હુમલો કરાયો છે. કહેવાય છે કે આ હુમલામાં તુર્કીના અનેક સૈનિકો માર્યા ગયા છે. ઈજિપ્ત અને ફ્રાન્સ પર હુમલાનો શક જતાવવામાં આવી રહ્યો છે. જેનાથી ઈમરાન ખાન અને ઈસ્લામાબાદ માટે ટેન્શનના સમાચાર એ છે કે જે રાફેલથી તુર્કીના એરબેસ પર હુમલો કરાયો છે તે જ રાફેલની પહેલી ખેપ આ મહિને ભારતીય વાયુસેનાને મળવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લિબિયામાં સ્થિત તુર્કીના અલ વાટિયા એરબેસના રફાલે જે હાલ કર્યા છે તે જોતા ઈસ્લામાબાદમાં દહેશત ફેલાઈ ગઈ હશે કારણ કે પાકિસ્તાન જાણે છે કે બહુ જલદી રાફેલ ભારતીય વાયુસેનાનો હિસ્સો બનશે. આમ તો લિબિયા અને પાકિસ્તાન વચ્ચેનું અંતર 5369 કિમી છે પરંતુ લિબિયામાં રાફેલના પરાક્રમથી પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યું છે. 


કેમ કરાયો અલ વાટિયા પર હુમલો
લિબિયાને લઈને ઈજિપ્ત અને તુર્કી વચ્ચે તણાવ ચરમસીમાએ છે. તુર્કીએ લિબિયાની રાજધાની ત્રિપોલીથી 125 કિમી દૂર નૂક્ત અલ કમસ જિલ્લામાં અલ વાટિયા એરબેસ પર પોતાના ફાઈટર જેટ, ડ્રોન અને મિસાઈલ સિસ્ટમ તૈનાત કર્યા છે. જેને ઈજિપ્ત અને ફ્રાન્સ પોતાની સુરક્ષા માટે જોખમ ગણાવી રહ્યાં છે. ઈજિપ્તે અનેકવાર આ અંગે તુર્કીને ચેતવણી આપી હતી. રાફેલથી થયેલા હુમલામાં તુર્કીના અનેક પ્લેન, ડ્રોન, અને ફિક્સ વિંગ એરક્રાફ્ટ બરબાદ થઈ ગયાં. 


બે દિવસ પહેલા લિબિયાની સરકારે પણ ઈજિપ્ત સરકાર પર અલ વાટિયા એરબેસ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે લિબિયાએ એ વાતનો ખુલાસો નહતો કર્યો કે કયા ફાઈટર જેટ્સથી એરબેસ પર હુમલો કરાયો છે. 


અલ વાટિયા એરબેસ પર જબરદસ્ત બોમ્બવર્ષા
રાફેલ વિમાનોની સ્ક્વોડ્રને અલ વાટિયા એરબેસ પર જોરદાર બોમ્બવર્ષા કરી. આ એરબેસ પર તુર્કીના એફ-16 ફાઈટર જેટ્સ ઉપરાંત હવાઈ સુરક્ષા માટે એમઆઈએમ-23 હોક એર ડિફેન્સ સિસ્ટમ પણ તૈનાત હતી પરંતુ જે પ્રકારનો નજારો જોવા મળી રહ્યો છે તેનાથી લાગતું નથી કે રાફેલ આગળ F-16 ફાઈટર જેટ્સનું કઈ ચાલ્યું હશે. 


હાલમાં જ તુર્કીના રક્ષામંત્રી હુલુસી અકારે ત્રિપોલીનો પ્રવાસ કર્યો હતો. કહેવાય છે કે તેના જ જવાબમાં ઈજિપ્ત અને ફ્રાન્સે આ હવાઈ હુમલાને અંજામ આપ્યો છે. લિબિયામાં તુર્કીની હાજરીને લઈને ઈજિપ્ત અને ફ્રાન્સે અનેકવાર તુર્કીને ચેતવણી આપી હતી. ઈજિપ્તે તો એટલે સુદ્ધા કહ્યું કે જો તુર્કી સમર્થિત મિલિશિયા સિર્તે શહેરની આગળ વધશે તો તેઓ સૈન્ય કાર્યવાહી કરવા માટે મજબૂર થશે. 


પાકિસ્તાન માટે આ ખબર એટલા માટે દહેશત લાવનારી છે કારણ કે તેની પાસે પણ F-16 ફાઈટર વિમાન જ છે. અને જો હવે રફાલ અંબાલા એરબેસ પર તૈનાત થશે તો પાકિસ્તાનને એ પણ ખબર હશે કે ભારતને લાહોર પહોંચવામાં ગણતરીની મિનિટો લાગશે.