રાહુલનો મોદી સરકાર પર મોટો પ્રહાર, કહ્યું- `એક ઉદ્યોગપતિને લાભ પહોંચાડવા બદલી રાફેલ ડીલ`
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે બ્રિટનમાં અનેક અબજ ડોલરની રાફેલ ડીલનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે ભાજપ સરકાર પર દેવામાં ફસાયેલા એક ઉદ્યોગપતિને લાભ પહોંચાડવા માટે કરારમાં ફેરફાર કરવાનો આરોપ લગાવ્યો.
લંડન: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે બ્રિટનમાં અનેક અબજ ડોલરની રાફેલ ડીલનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે ભાજપ સરકાર પર દેવામાં ફસાયેલા એક ઉદ્યોગપતિને લાભ પહોંચાડવા માટે કરારમાં ફેરફાર કરવાનો આરોપ લગાવ્યો. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (એલએસઈ)માં નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમનાઈ યુનિયન (બ્રિટન) સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ રાફેલ ડીલમાં કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એક ઉદ્યોગપતિનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો. જેની પાસે વિમાન ઉત્પાદનમાં કોઈ અનુભવ નહતો.
રાહુલ ગાંધી આ ડીલને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યાં છે અને તેના પર યુપીએના પૂર્વ શાસનમાં નક્કી થયેલા કરાર કરતા વધુ કિંમત પર કરારનો આરોપ લગાવી રહ્યાં છે. આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે 2014ની સામાન્ય ચૂંટણીમાં મળેલી હારથી પાર્ટીએ પાઠ ભણ્યો છે અને સ્વીકાર્યુ છે કે 10 વર્ષ સુધી સત્તામાં રહેવાના કારણે તેમનામાં એક 'હદ સુધી દંભ' આવી ગયો હતો.
ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડિઝમાં એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે તમને સાંભળ્યું હશે- નેતૃત્વનો હેતુ શીખવું છે. ગાંધીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમની પાર્ટીને 2014માં મળેલી હારથી શું શીખ્યું તો તેમણે કહ્યું કે 10 વર્ષ સુધી સત્તામાં રહ્યાં બાદ કોંગ્રેસમાં એક હદ સુધી દંભ આવી ગયો હતો અને અમે પાઠ ભણ્યાં.
રાહુલે કહ્યું કે ભારત નોકરીઓ આપીને જ પોતાનુ કદ વધારી શકે છે અને ભારતમાં નોકરીઓનું સંકટ છે. તેમણે કહ્યું કે ચીન જ્યાં પ્રત્યેક 24 કલાકમાં 50,000 નોકરીઓનું સર્જન કરે છે ત્યાં ભારત આ જ સમયમાં માત્ર 450 નોકરીઓની તકો ઊભી કરી શકે છે. તેમણે કહ્યું કે ભારત પોતાનો પ્રભાવ કેવી રીતે વધારી શકે જ્યારે તમે મૂળ તત્વોની જ અવગણા કરતા હોવ.