Sri Lanka New President: આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાને નવા રાષ્ટ્રપતિ મળી ગયા છે. રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાની સંસદે નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી કાઢ્યા છે. રાષ્ટ્રપતિ નિયુક્ત થયા બાદ રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું કે આપણો દેશ ખુબ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આપણી સામે ખુબ મોટા પડકારો છે. શ્રીલંકામાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે એટલે કે બુધવારે સવારે 10 વાગે મતદાન શરૂ થયું હતું. રાષ્ટ્રપતિ પદ માટે મુકાબલો ત્રણ ઉમેદવારો વચ્ચે હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાનિલ વિક્રમસિંઘે, ડલાસ અલ્હાપ્પેરૂમા અને ડાબેરી જનતા વિમુક્તિ પેરામુના (જેવીપી)ના નેતા અનુરા કુમારા દિસાનાયકેને મંગળવારે સાંસદોએ રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવારો તરીકે પ્રસ્તાવીત કર્યા હતા. ત્યારબાદ બુધવારે સંસદે રાનિલ વિક્રમસિંઘેને નવા રાષ્ટ્રપતિ તરીકે પસંદ કર્યા. 


રાનિલ વિક્રમસિંઘે હાલ શ્રીલંકાના કાર્યવાહક રાષ્ટ્રપતિનું પદ સંભાળી રહ્યા છે. નવા રાષ્ટ્રપતિની પસંદગી માટે આજે તમામ સાંસદો સંસદમાં ઉપસ્થિત રહ્યા. પૂર્વ પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે પણ હાજર રહ્યા હતા. વિક્રમસિંઘેને 134 મત મળ્યા છે. 


દેશમાં અત્યાર સુધીના સૌથી ભીષણ આર્થિક સંકટને પહોંચી વળવામાં સરકારની નિષ્ફળતા બાદ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા અને રાજકીય ઉથલપાથલ તથા દેશમાં ફેલાયેલી અરાજકતાના માહોલ વચ્ચે ગોટબાયા રાજપક્ષેએ રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દીધુ. શ્રીલંકામાં 1978 બાદથી પહેલીવાર રાષ્ટ્રપતિની ચૂંટણી સાંસદો દ્વારા ગુપ્ત મતદાનથી થઈ. આ અગાઉ 1993માં કાર્યકાળની વચ્ચે જ રાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યું હતું. ત્યારે તત્કાલિન રાષ્ટ્રપતિ રણસિંઘે પ્રેમદાસાની હત્યા કરી દેવાઈ હતી. તે સમયે ડી બી વિજેતુંગાને સંસદની સર્વસંમતિથી પ્રેમદાસાનો કાર્યકાળ પૂરો કરવાની જવાબદારી સોંપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube