Chinese Rocket: ચીનનું બેકાબૂ થયેલું રોકેટ આખરે આજે આ જગ્યાએ જઈને પડ્યું
ધરતી પર આફત બનીને મંડરાઈ રહેલું ચીનનું બેકાબૂ રોકેટ આખરે આજે હિન્દ મહાસાગરમાં તૂટી પડ્યું. તે ભારતના દક્ષિણપૂર્વ અને શ્રીલંકા પાસે ક્યાંક પડ્યું છે. 2021-035B નામનું આ રોકેટ 100 ફૂટ લાંબુ અને 16 ફૂટ પહોળું હતું.
નવી દિલ્હી: અમેરિકાના રક્ષા વિભાગ પેન્ટાગને થોડા દિવસ પહેલા જ ચીનના જે લોન્ગ માર્ચ 5બી રોકેટના ધરતી સાથે ટકરાવવાની ચેતવણી આપી હતી તે આખરે હિન્દ મહાસાગરમાં તૂટી પડ્યું છે. ચીની મીડિયાના જણાવ્યાં મુજબ . તે ભારતના દક્ષિણપૂર્વમાં શ્રીલંકા અને માલદીવની આજુબાજુ ક્યાંક પાણીમાં પડ્યું છે. અમેરિકી સ્પેસ ફોર્સના ડેટા મુજબ તે 18 હજાર માઈલ પ્રતિ કલાકની ઝડપથી ધરતી તરફ આગળ વધી રહ્યું હતું. જે કારણે તે ક્યાં લેન્ડ કરશે તે ખાતરી થઈ શકી નહતી. હાલ તેના પડવાથી કોઈ નુકસાનની જાણકારી નથી.
તેની ચાર અલગ અલગ કક્ષાઓની સંભાવના વ્યક્ત કરાઈ હતી જેમાંથી ત્રણ પાણી ઉપર છે અને એક જમીન પર. 2021-035B નામનું આ રોકેટ 100 ફૂટ લાંબુ અને 16 ફૂટ પહોળું હતું. પૃથ્વીના વાયુમંડળમાં દાખલ થતાની સાથે જ તેનો મોટો હિસ્સો બળીને ખાખ થઈ ગયો અને બાકીનો પાણીમાં જઈને પડ્યો. પહેલાની અટકળો મુજબ આ રોકેટ દક્ષિણપૂર્વ અમેરિકા, મેક્સિકો, મધ્ય અમેરિકા, કેરેબિયન, પેરુ, ઈક્વાડોર કોલંબિયા, વેનેઝુએલા, દક્ષિણ યુરોપ, ઉત્તર કે મધ્ય આફ્રીકા, મધ્ય પૂર્વ દક્ષિણ ભારત કે ઓસ્ટ્રેલિયામાં પડવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી હતી.
જો કે ધરતી પર મોટાભાગનો હિસ્સો પાણી હોવાના કારણે તેના જમીન પર પડીને માણસોને નુકસાન પહોંચાડવાની આશંકા ઓછી વ્યક્ત કરાઈ હતી. આ અગાઉ તેના બેઈજિંગ, મેડ્રિડ કે ન્યૂયોર્કમાં પડવાની પણ આશંકા વ્યક્ત કરાઈ હતી પરંતુ તેની પૂરપાટ ઝડપના કારણે લેન્ડિંગની જગ્યાની ખાતરી કરવી મુશ્કેલ બની હતી.
બેકાબૂ થતાની સાથે જ આ રોકેટ ધરતી તરફ આગળ વધવા લાગ્યું હતું અને ધરતી સાથે ટકરાવવાથી નુકસાનની આશંકા પણ વ્યક્ત કરાઈ હતી. ચીને આ રોકેટની મદદથી અંતરિક્ષમાં બનનાર પોતાના સ્પેસ સ્ટેશનનો પહેલો હિસ્સો મોકલ્યો હતો. આ મોડ્યૂલનું નામ તિયાન્હે રાખવામાં આવ્યું છે.