હોંગકોંગ: હોંગકોંગની સરકારે શુક્રવારે માસ્ક પહેરીને પ્રદર્શન કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. હોંગકોંગ મુખ્ય કાર્યકારી કૈરી લૈમની સરકારે શુક્રવારે સાર્વજનિક સભાઓમાં માસ્ક પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ કોલોનિયલ યુગનો એક ઇમરજન્સી કાનૂન છે, જેનો ઉપયોગ છેલ્લા ઘણા વર્ષો કરવામાં આવ્યો નથી. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર પરત ખેંચવામાં આવેલા વિવાદિત પ્રત્યાર્પણ બિલને લાવવામાં આવ્યા બાદ શહેરમાં લગભગ ચાર મહિનાથી ચાલી રહેલા સરકાર વિરોધી પ્રદર્શનોને રોકવાના હેતુથી લગાવવામાં આવેલો પ્રતિબંધ શુક્રવારે મધ્ય રાત્રિથી લાગૂ કરવામાં આવ્યો છે. 


પ્રતિબંધ લગાવવાની પુષ્ટિ કરતાં લૈમે મીડિયાને કહ્યું કે 'અમે વધતી જતી હિંસાને આ પ્રકારે થવાની પરવાનગી ન આપી શકીએ. અમે હિંસાને રોકવા માટે સંભવિત કાયદાઓને શોધી રહ્યા છીએ. તેમણે કહ્યું કે મેં શુક્રવારે સવારે એક્સોની વિશેષ બેઠક બોલાવી અને માસ્ક પહેરીને પ્રદર્શન કરવા પર પ્રતિબંધ લાગૂ કરવાનો નિર્ણય લીધો. આ શુક્રવાર મધરાતથી લાગૂ થશે.