VIDEO: રશિયામાં પારો -62 ડિગ્રીએ પહોંચ્યો, લોકોની પાંપણો અને ભમ્મરોના વાળ પણ જામી ગયા
દુનિયાના અનેક ભાગો હાલ ભીષણ ઠંડીની ઝપેટમાં છે. અમેરિકામાં આકરી ઠંડીના કારણે નદીઓ અને તળાવ થીજી ગયા છે.
નવી દિલ્હી: દુનિયાના અનેક ભાગો હાલ ભીષણ ઠંડીની ઝપેટમાં છે. અમેરિકામાં આકરી ઠંડીના કારણે નદીઓ અને તળાવ થીજી ગયા છે. 80 વર્ષમાં પહેલીવાર નાયગ્રા ફોલ જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં આખુ થીજી ગયું. સહારાના રણના એક ભાગ એન સફેરામાં તો પહેલીવાર બરફવર્ષા થયેલી જોવા મળી.
આ બાજુ રશિયા પણ ભીષણ ઠંડીની ઝપેટમાં છે. અહી સ્થિતિ એવી છે કે પારો -62 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. રશિયાના યાકતસ્કુ પ્રાંતમાં ઓમ્યાકોન ગામમાં પારો -62 ડિગ્રી પહોંચ્યો. જેના કારણે ત્યાં લાગેલું ડિજિટલ થર્મોમીટર પણ તૂટી ગયું. આ તાપમાન મંગળ ગ્રહ (-60)થી પણ ઓછુ છે.
આ ભીષણ ઠંડીના કારણે હાલાત એવા થઈ ગયા છે કે જ્યારે લોકો તેમના ઘરેથી બહાર નિકળ્યાં તો તેમની આંખોની પાંપણ અને ભમ્મરના વાળ પણ થીજી ગયા હતાં. રશિયાના ઓમ્યાકોનમાં ઠંડીની ઋતુમાં સામાન્ય રીતે તાપમાન -50 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે પરંતુ આ વખતે પારો -62 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો. આ કારણે ત્યાં વસ્તી ઓછી છે અને લગભગ 500 લોકો જ રહે છે.
અહીં રહેનારા લોકો બહું ઋતુગત ફેરફારોનો સામનો કરે છે જેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. ઠંડીના હાલાતના કારણે અહીં પેનની શાહીથી લઈને ગ્લાસમાં પીવાનું પાણી સુદ્ધા થીજી જાય છે. ઠંડીની ઋતુમાં અહીં દિવસમાં ખુબ મુશ્કેલથી ત્રણ કલાક માટે પ્રકાશ હોય છે જ્યારે મોટાભાગનો સમય અંધારુ છવાયેલું રહે છે. જો કે ગરમીની ઋતુમાં 21 કલાક રોશની રહે છે. ફક્ત ત્રણ કલાક માટે અંધારુ હોય છે.
અત્રે જણાવવાનું કે પોર્ટ સિટી નામથી પ્રસિદ્ધ યાકતસ્કુને દુનિયાની સૌથી ઠંડી જગ્યા માનવામાં આવે છે. વર્ષ 2013માં નાસાએ સેટેલાઈટ દ્વારા એન્ટાર્કટિકામાં -94.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રેકોર્ડ કર્યુ હતું. આ અત્યાર સુધીનું સૌથી ઓછુ તાપમાન છે.