સુરજ સોલંકી, અમદાવાદઃ એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી તરફ લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યા છે. જ્યારથી બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી અત્યાર સુધીમાં 30 લાખથી વધુ લોકોએ યુક્રેનથી પલાયન કર્યું છે. ઈંટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ માઈગ્રેશન(IOM)એ આ અંગે જાણકારી આપી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


દર મિનિટે 55 બાળકો શરણાર્થી બન્યા:
શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રમાં બનેલી એજન્સી UNHCRના પ્રવક્તા મેથ્યૂ સૉલ્ટમાર્શએ જણાવ્યું કે યુક્રેનમાં પલાયન કરનારામાં સૌથી વધારે બાળકો અને મહિલાઓ સામેલ છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર 24 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં લગભગ 15 લાખ બાળકોએ યુક્રેન છોડ્યું છે. સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું કે છેલ્લાં 20 દિવસમાં દરરોજ 70 હજાર યુક્રેની બાળકો શરણાર્થી બની રહ્યા છે, એટલે કે દરેક મિનિટે 55 અને દરેક સેકન્ડે એક બાળક શરણાર્થી બની રહ્યો છે.


કેટલું મોટું છે યુક્રેન શરણાર્થી સંકટ?
20 દિવસમાં 30 લાખ લોકોએ યુક્રેન છોડ્યું
દરરોજ 1,50,000 લોકો યુક્રેન છોડી રહ્યા છે
દર કલાકે 6,250 નાગરિકો યુક્રેન છોડીને જઈ રહ્યા છે
દર મિનિટે 104 યુક્રેની નાગરિક શરણાર્થી બની રહ્યા છે
દર સેકન્ડે 2 લોકો પાડોશી દેશમાં શરણ લઈ રહ્યા છે



સૌથી વધુ શરણાર્થીઓ પોલેન્ડમાં:
યુક્રેનમાંથી નીકળીને લોકો પાડોશી દેશમાં શરણ લઈ રહ્યા છે. સૌથી વધુ લોકો પોલેન્ડ પસંદ કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર અત્યાર સુધી 18.30 લાખથી વધુ નાગરિક પોલેન્ડમાં શરણ લઈ ચૂક્યા છે. બીજી તરફ રોમાનિયામાં 4.59 લાખ, મોલદાવામાં 3.37 લાખ, હંગરીમાં 2.67 લાખ અને સ્લોવાકિયામાં 2.13 લાખ શરણાર્થી છે. કેટલાક લોકો રશિયા અને બેલારૂસ પણ ગયા છે. રશિયા જનારા લોકોની સંખ્યા 1.42 લાખ છે જ્યારે બેલારૂસમાં લગભગ દોઢ હજાર લોકો શરણ લઈ ચૂક્યા છે.


દુનિયાભરમાં 2.66 કરોડથી વધુ શરણાર્થી:
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, 2021ના મધ્ય સુધીમાં સમગ્ર વિશ્વમાં 2.66 કરોડ લોકો શરણાર્થી બનીને જીવી રહ્યા છે. 4.8 કરોડ લોકો એવા પણ છે જે પોતાના જ દેશમાં વિસ્થાપિત થયા છે. સૌથી વધુ 67 લાખ શરણાર્થી સીરિયાના છે. બીજા નંબર પર વેનેઝુએલા છે, જેના 41 લાખથી વધુ શરણાર્થીઓ છે. ત્યાર બાદ અફઘાનિસ્તાનના 26 લાખ, સાઉથ સુદાનના 22 લાખ અને મ્યાનમારના 11 લાખ લોકો શરણાર્થી બની ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube