નવી દિલ્હી: જોધપુરની એક  કોર્ટ દ્વારા 1998માં કાળિયારના શિકાર કેસમાં આજે સલમાન ખાનને દોષિત ઠેરવવા આવ્યો અને પાંચ વર્ષની જેલની સજા કરાઈ. આ મામલે અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આવી રહી છે. પાકિસ્તાને તો આ મામલાને કંઈક અલગ જ રંગ આપવાની કોશિશ કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે સલમાન ખાનની સજા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. સલમાનની સજા પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે સલમાન ખાન અલ્પસંખ્યક હોવાના કારણે સજા કરવામાં આવી છે. એટલું જ નહીં આસિફે એવો પણ દાવો કર્યો કે જો સલમાન ખાન સત્તાધારી પક્ષ તરફી હોત તો તેને ઓછી સજા થાત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ દાયકાઓથી બોલિવૂડમાં બેડબોય તરીકે ઓળખાતા સલમાન ખાનને 20 વર્ષ પહેલાના કાળિયારના શિકાર કેસમાં આજે જોધપુરની કોર્ટે 5 વર્ષની સજા સંભળાવી અને આજે જ સલમાનને જેલમાં મોકલી દેવાયો. કાળિયારના શિકાર કરવાથી લઈને મુંબઈની ફૂટપાથ પર સૂતા વ્યક્તિને કચડવાના મામલે સલમાન પાંચમીવાર જેલમાં ગયો છે. બોલિવૂડના સફળ કલાકારોમાં સામેલ સલમાન ખાન પર વર્તમાન ફિલ્મ નિર્માતાઓના લગભગ 600 કરોડ રૂપિયા દાવ પર લાગ્યા છે. વિવાદાસ્પદ અંગત જીવનમાં ભાઈની ઓળખ ધરાવતા સલમાન ખાન સાથે સારું અને ખરાબ બંને ચરિત્ર જોડાયેલું છે. સલમાને 1998માં જોધપુર નજીક એક જંગલમાં વિલુપ્તપ્રાય બે કાળિયારનો શિકાર કર્યો હતો.


28 માર્ચના રોજ આ મામલે સીજેએમ દેવકુમાર ખત્રીની કોર્ટમાં સુનાવણી થઈ હતી. છેલ્લી દલીલ બાદ જજે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. લાંબી સુનાવણી બાદ આ કેસમાં આજે ચુકાદો આવ્યો. સલમાન ખાનને હાલ ખુબ ચુસ્ત સુરક્ષા બંદોબસ્તમાં જોધપુર જેલમાં રખાયો છે. હાઈ સિક્યોરિટી સેલમાં તેને રખાયો છે. તે કેદી નંબર 106 રહેશે.સલમાન ખાનના વકીલે જામીન અરજી દાખલ કરી દીધી છે. જેના પર આવતી કાલે સવારે 10.30 વાગ્યે કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.