નવી દિલ્લીઃ કોક્રોચ ધરતી પર 6.60 કરોડ વર્ષ પહેલા થયેલા એસ્ટેરૉયડ હુમલામાં બચી ગયા હતા. આ હુમલામાં ડાયનાસોરની આબાદી નાશ પામી હતી. ધરતી પર હજારો કિલોમીટર દૂર સુધી જ્વાળામુખી ફાટી નીકળ્યા હતા. ધરતી પરથી ત્રણ-ચતુર્થાંશ જેટલા છોડ-ઝાડ અને પ્રાણીઓ મૃત્યુ પામ્યા હતા. આ બધી ઘટનામાં કોક્રોચ બચી ગયા. સવાલ એ છે કે, ભવિષ્યના પ્રલય દરમિયન જ્યારે ધરતી પરથી માણસોની પ્રજાતિ ખત્મ થઈ જશે, ત્યારે પણ કોક્રોચ જીવિત રહી શકશે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ખૂબ જ આશ્ચર્યની વાત છે કે, જે ધમાકામાં બધા જ જીવ નાશ પામ્યા હતા, ત્યારે એકથી બે ઈંચ જેટલા લાંબા આ જીવ કેવી રીતે બચી ગયા! સ્ટડી પરથી જાણવા મળ્યુ કે, કોક્રોચ એ પ્રકારની પ્રાકૃતિક ટેક્નિક ધરાવે છે કે તેઓ વિષમ પરિસ્થિતિમાં પણ પોતાને સુરક્ષિત રાખી શકે. જો તમે કોક્રોચને ધ્યાનથી જોયો હશે તો, જોયુ હશે કે તેનુ શરીર એકદમ ફ્લેટ છે. આકારમાં ચપટા હોવાના કારણે આ પ્રકારના જીવ કોઈપણ સાંકડી જગ્યામાં પણ પોતાને સુરક્ષિત રીતે છુપાવી શકે છે. કદાચ આ જ કારણોસર ડાયનાસોર લુપ્ત થયા ત્યારે આ જીવ બચી ગયા.


જ્યારે ધરતી સાથે ઉલ્કાપિંડ ટકરાયો ત્યારે, ધરતીના તાપમાનમાં ઝડપથી વધારો થયો. તે સમયે જીવજંતુઓ પાસે ભાગવાની કોઈ જગ્યા જ ન બચી. પરંતુ કોક્રોચને જમીનની અંદર પાતળામાં પાતળી જગ્યા પર છુપાવવાની જગ્યા મળી ગઈ. જેથી ભયાનક ગરમી સામે તેઓ સુરક્ષિત રહી શક્યા.  કોક્રોચ ધરતી પરની સૂકામાં સૂકી અને ભીનામાં ભીની જગ્યા પર પણ જીવિત રહી શકે છે. ધરતી પર કોક્રોચની 4 હજારથી વધુ પ્રજાતિ રહેલી છે.


વૈજ્ઞાનિકોનું માનવુ છે કે, 6 પગવાળા આ નાના જીવ પાસે બચાવની અદભૂત તાકાત રહેલી છે. તે કોઈપણ પ્રકારની વિષમ પરિસ્થિતિમાં જીવિત રહી શકે છે. બની શકે કે, ભવિષ્યમાં થનારા પ્રલય સમયે જ્યારે માણસોની પ્રજાતિનો વિનાશ થાય ત્યારે પણ કોક્રોચ જીવિત રહી શકશે.