PM મોદી અને જિનપિંગની મુલાકાત, `આ` અતિ મહત્વના મુદ્દે સહમત થઈ ગયું ચીન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શનિવારે શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) સંમેલન દરમિયાન અત્રે એક મુલાકાત કરી.
કિંગદાઓ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શનિવારે શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) સંમેલન દરમિયાન અત્રે એક મુલાકાત કરી. બંને નેતાઓએ બેઈજિંગ દ્વારા દિલ્હીને બ્રહ્મપુત્રા નદીના આંકડા શેર કરવા અને ભારત દ્વારા ચીનને ચોખા નિકાસ કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યાં. બંને નેતાઓએ એપ્રિલમાં વુહાનમાં થયેલા મહત્વપૂર્ણ સંમેલન બાદ ભારત અને ચીનના સંબંધોમાં થયેલા વિકાસને આગળ વધાર્યો. શી જિનપિંગ અને પીએમ મોદી 3448 કિમી લાંબી પોતાની વિવાદાસ્પદ સરહદ પર શાંતિ જાળવી રાખવા માટે પણ સહમત થયાં.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે ટ્વિટ કરીને જણાવ્યું કે વુહાન અનૌપચારિક શિખર બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોમાં પેદા થયેલી સકારાત્મક ગતિને વધુ મજબુત કરતા વડાપ્રધાન મોદીએ એસસીઓ સંમેલન દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ચીનના જળ સંસાધન મંત્રાલય અને ભારતના જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા પુર્નરુદ્ધાર મંત્રાલય દ્વારા પૂર સમયે બ્રહ્મપુત્ર નદી પર હાઈડ્રોલોજિકલ સૂચના ઉપલબ્ધ કરાવવા અંગેની સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં.
આ સંધિના કારણે ચીન પ્રત્યેક વર્ષ પૂરના સમયે 15 મેથી 15 ઓક્ટોબર સુધી હાઈડ્રોલોજિકલ ડેટા ભારતને ઉપલબ્ધ કરાવશે. આ સંધિ હેઠળ પૂરની સ્થિતિ ન હોય તો પણ જળસ્તર જોઈન્ટ સહમતિ સ્તરથી વધી જવા ઉપર પણ ચીન ભારતને હાઈડ્રોલોજિકલ ડેટા ઉપલબ્ધ કરાવશે.
ચીને ગત વર્ષ ડોકલામમાં બંને સેનાઓ આમને સામને આવી ગયા બાદ આ ડેટા ભારતને ઉપલબ્ધ કરાવ્યો નહતો. નિવેદન મુજબ ભારતથી ચીન નિકાસ કરાવાના 2006ના એક પ્રોટોકોલમાં સંસોધન કરીને બાસમતિ સિવાયના ચોખાને સામેલ કરવામાં આવ્યાં છે.