પાકિસ્તાન : લગ્નમાં મહિલાના માથા પરથી સરકી ગયો દુપટ્ટો...અને થયું ન થવાનું
પાકિસ્તાનના પેશાવરમાં એક વ્યક્તિએ પોતાની પત્નીના માથાના તમામ વાળ કાપી નાખ્યા કારણ કે તેણે એક લગ્નપ્રસંગમાં પોતાનું માથું નહોતું ઢાંક્યું. આ મુંડન પહેલાં તેણે પત્નીને ઢોરમાર પણ માર્યો હતો.
નવી દિલ્હી : પાકિસ્તાનના પેશાવરમાં એક વ્યક્તિએ પોતાની પત્નીના માથાના તમામ વાળ કાપી નાખ્યા કારણ કે તેણે એક લગ્નપ્રસંગમાં પોતાનું માથું નહોતું ઢાંક્યું. આ મુંડન પહેલાં તેણે પત્નીને ઢોરમાર પણ માર્યો હતો.
DawnNewsTVના રિપોર્ટ પ્રમાણે 27 માર્ચે મહિલાની ફરિયાદના આધારે માથરા પોલીસે સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તે થોડા સમય પહેલાં પોતાના પતિના પિતરાઈના લગ્નમાં ગઈ હતી. આ લગ્ન વખતે ભુલથી તેનો દુપટ્ટો માથા પરથી સરકી ગયો અને તેના પતિએ આ જોઈ લીધું. આ પછી તે જ્યારે ઘરે પરત આવી તો તેના પતિએ માથે ન ઓઢવાનો આરોપ મૂકીને તેને બહુ માર માર્યો હતો. મહિલાએ આપેલી માહિતી પ્રમાણે તેનો પતિ મલકંદ લેવિસ ફોર્સનો સભ્ય છે. મલકંદ લેવસ ફોર્સ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાનું અર્ધસૈનિક બળ છે.
મહિલાએ ફરિયાદ કરી છે કે જે સમયે તેનો પતિ માર મારી રહ્યો હતો એ સમયે તેના ઘરમાં ત્રણ વર્ષના બાળક સિવાય કોઈ નહોતું. ફરિયાદ પ્રમાણે પતિએ માર મારીને કાતરથી વાળ કાપી નાખ્યા. મહિલાએ આરોપ મૂક્યો છે કે તેના પતિએ તેને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી જેના કારણે ફરિયાદ કરવામાં મોડું થઈ ગયું. હાલમાં આરોપીની ધરપકડના પ્રયાસ ચાલી રહ્યા છે.