એક સમયે સોનાની લંકા ગણાતું શ્રીલંકા આજે એક-એક પાઈ માટે વલખા મારી રહ્યું છે, વિદેશી દેવું 51 અબજ ડોલર
શ્રીલંકાના ચલણ રૂપિયાની વેલ્યૂ ડોલર સામે સતત ગગડી રહી છે. માર્ચમાં એક ડોલરની કિંમત 201 શ્રીલંકન રૂપિયા હતી જ્યારે હવે 360 થઈ ગઈ છે. એપ્રિલ 2021માં કુલ 35 અબજ ડોલરનું વિદેશી દેવું હતું જે એક જ વર્ષમાં વધીને 51 અબજ ડોલર પર પહોંચી ગયું છે.
નવી દિલ્હી: ભારતનો પાડોશી દેશ શ્રીલંકા જે એક સમયે સોનાની લંકા કહેવાતો હતો હાલ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. બે વર્ષ પહેલા સ્થિતિ એવી હતી કે દક્ષિણ એશિયાની સૌથી મજબૂત અર્થવ્યવસ્થામાં તેની ગણતરી થતી હતી. કોરોનાના પગલાં પડ્યા તે પહેલા 2019માં વિશ્વ બેંકે શ્રીલંકાને દુનિયાના હાઈ મિડલ ઈન્કમવાળા દેશોની કેટેગરીમાં મૂક્યું હતું. પરંતુ માત્ર 2 વર્ષમાં શ્રીલંકા ઊંધે માથે પટકાયું અને હાલ સ્થિતિ એવી છે કે વિદેશી દેવું ચૂકવી શકવામાં અસમર્થ થઈ ગયું છે. દેવાળું પણ ફૂંક્યું છે. સરકારી આંકડા મુજબ મોંઘવારી દર 17 ટકા પાર ગયો છે જે સમગ્ર દક્ષિણ એશિયાના કોઈ પણ દેશ કરતા સૌથી ભયાનક સ્તરે છે.
શ્રીલંકાના ચલણ રૂપિયાની વેલ્યૂ ડોલર સામે સતત ગગડી રહી છે. માર્ચમાં એક ડોલરની કિંમત 201 શ્રીલંકન રૂપિયા હતી જ્યારે હવે 360 થઈ ગઈ છે. એપ્રિલ 2021માં કુલ 35 અબજ ડોલરનું વિદેશી દેવું હતું જે એક જ વર્ષમાં વધીને 51 અબજ ડોલર પર પહોંચી ગયું છે. સ્થિતિ એવી કપરી થઈ ગઈ છે કે સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકાએ પોતાનું અડધું રિઝર્વ ગોલ્ડ વેચવું પડ્યું. સેન્ટ્રલ બેંક પાસે 2021ની શરૂઆતમાં 6.69 ટન સોનાનો ભંડાર હતો જેમાંથી 3.6 ટન સોનું વેચી કાઢ્યું. વિદેશી મુદ્રા ભંડારની વાત કરીએ તો 2018માં 7.5 અબજ ડોલર હતો જે ફેબ્રુઆરી 2022માં 2.31 અબજ ડોલર થઈ ગયો. શ્રીલંકાની આ સ્થિતિ માટે કેટલાક જવાબદાર પરિબળો પર નજર ફેરવો.
આયાત પ્રતિબંધથી સ્થિતિ વણસી
સરકારે માર્ચ 2020માં વિદેશી આયાત પર પ્રતિબંધ લગાવ્યો જેથી કરીને વિદેશી મુદ્રા બચાવી શકાય પરંતુ તેની કોઈ ખાસ અસર ન થઈ ઉપરથી પ્રતિબંધના કારણે દેશમાં જરૂરી સામાનની અછત સર્જાઈ. રાસાયણિક ખાતરની કમી થઈ ત્યારબાદ સરકારે સમગ્ર દેશમાં જૈવિક ખેતી ફરજિયાત કરી. જેણે સ્થિતિ વિકટ કરી. સરકારના આ નિર્ણયના પગલે શ્રીલંકાનું કૃષિ ઉત્પાદન અડધું થઈ ગયું. વિદેશી આયાત પર પ્રતિબંધ અને જૈવિક ખેતીના કારમે શ્રીલંકામાં સામાનની અછત થઈ અને ભાવો એટલા કાબૂ બહાર ગયા કે આર્થિક કટોકટીએ પહોંચી ગયું.
ટુરિઝમ ખાડે ગયું
શ્રીલંકાની ઈકોનોમીમાં મોટો ફાળો ટુરિઝમનો છે. તેની જીડીપીમાં ટુરિઝમનું 10 ટકા કરતા વધુ યોગદાન છે. શ્રીલંકા માટે વિદેશી કરન્સીનો ત્રીજો સૌથી મોટો સ્ત્રોત છે. ટુરિઝમ ક્ષેત્ર પર સીધી રીતે 5 લાખ અને આડકતરી રીતે 20 લાખ જેટલા નાગરિકો નભે છે. વાર્ષિક 5 અબજ ડોલરની આ ક્ષેત્રેથી કમાણી આવતી હતી. ટુરિઝમ ક્ષેત્ર પર કોરોનાની મારના કારણે શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર તળિયે પહોંચી ગયો.
જીડીપીના 104 ટકા જેટલું વિદેશી દેવું
સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકાના જણાવ્યાં મુજબ હાલ શ્રીલંકા પર કુલ 51 અબજ ડોલરનું વિદેશી દેવું છે. વિશ્વ બેંક મુજબ શ્રીલંકા પર વિદેશી દેવાની રકમ કુલ જીડીપીના 103 ટકા થઈ છે. આગામી 12 મહિનામાં વિદેશી દેવાના હપ્તા ભરવા માટે 7.3 અબજ ડોલરની જરૂર છે. આગામી ચાર વર્ષ એટલે કે 2026 સુધીમાં 26 અબજ ડોલરની ચૂકવણી વિદેશી દેવાના હપ્તા પેટે કરવાની છે. એક સમયે સોનાની લંકા ગણાતું શ્રીલંકા હાલ પાતાળે પહોંચી ગયું છે.
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube