કોલંબો: આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં સેનાની છાયા હેઠળ પેટ્રોલ અને ડીઝલ વેચાઈ રહ્યું છે. ઓઈલની કમીના પગલે પેટ્રોલ પંપો પર લાંબી લાંબી લાઈનો લાગી રહી છે. આવામાં ભીડ કોઈ હિંસક પગલું ન ઉઠાવે તેનું ધ્યાન રાખતા સેનાના જવાનોને તૈનાત કરાયા છે. શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર ખુબ ઘટી ગયો છે. આ કારણે પેટ્રોલ અને ડીઝલની આયાતમાં મુશ્કેલી આવી રહી છે. મોંઘવારીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત-ચીન પાસે માંગી આર્થિક મદદ
શ્રીલંકામાં અનાજ, ખાંડ, શાકભાજીને લઈને દવાઓની ભારે  કમી થઈ ગઈ છે. મોંઘવારીના કારણે લોકોના ખર્ચા ચારગણા વધી ગયા છે. પરંતુ તેમની આવક એટલી જ છે. સરકારને હાલ અનાજ, તેલ, અને દવાઓની ખરીદી માટે દેવું કરવું પડી રહ્યું છે. ભારતે એક અબજ ડોલરની લોન આપવાનું વચન આપ્યું છે. જ્યારે ચીન પણ શ્રીલંકાને અઢી અબજની લોન આપી શકે છે. અત્રે જણાવવાનું કે 1948માં આઝાદ થયા બાદ શ્રીલાંક સૌથી ભયાનક આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. 


સેનાની તૈનાતી પર બોલ્યા ઉર્જા મંત્રી
શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલની લાંબી લાઈનો જોતા મંગળવારે સરકારી પેટ્રોલ પંપો પર સૈનિકો તૈનાત કર્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યાં મુજબ ઉર્જા મંત્રી ગામિની  લુકોગેનું કહેવું છે કે પેટ્રોલ પંપો પર કોઈ અપ્રિય સ્થિતિ પેદા ન થાય તે માટે સેનાને અહીં તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. લોકો મોટા કેનમાં પેટ્રોલ લઈ જઈ બિઝનેસ કરી રહ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે પેટ્રોલ બધાને મળે. 


રાંધણ ગેસ માટે પણ લાંબી લાઈનો
માત્ર પેટ્રોલ જ નહીં પરંતુ રાંધણ ગેસ માટે પણ લાંબી લાઈનો  લાગી છે. પેટ્રોલ અને કેરોસિન માટે લાઈનમાં ઊભેલા ચાર લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે. જેમાંથી 3 તો વૃદ્ધ હતા. એક વ્યક્તિનું મોત લાઈનમાં લાગેલા લોકો વચ્ચે થયેલા ઝઘડામાં છરાબાજીના કારણે થયું હતું. આ ઉપરાંત શ્રીલંકા ભારે વીજ સંકટનો પણ સામનો કરી રહ્યું છે. માર્ચની શરૂઆતમાં સરકારે વધુમાં વધુ સાડા સાત કલાક સુધી વીજ કાપની જાહેરાત કરી હતી. 


આ રીતે બગડતી ગઈ આર્થિક સ્થિતિ
શ્રીલંકાના કેન્દ્રીય બેંક તરફથી ફેબ્રુઆરીમાં બહાર પડેલા આંકડા મુજબ દેશનો વિદેશી મુદ્રા ભંડાર જાન્યુઆરી 2022માં 24.8 ટકા ઘટીને 2.36 અબજ ડોલર રહી ગયો હતો. રશિયા-યુક્રેનમાં થઈ રહેલા યુદ્ધના કારણે પણ શ્રીલંકાની અર્થવ્યવસ્થાની હાલત બદતર થઈ શકે છે. કારણ કે રશિયા શ્રીલંકાની ચાનો સૌથી મોટો આયાતકાર છે. હવે સવાલ એ ઉઠે છે કે આખરે શ્રીલંકા આ સ્થિતિમાં પહોંચ્યું કેવી રીતે? શ્રીલંકાની અર્થવ્યવસ્થા મોટાભાગે પર્યટન ઉદ્યોગ પર નિર્ભર રહે છે. દેશની જીડીપીમાં તેની ભાગીદારી લગભગ 10 ટકા છે. પરંતુ કોરોના મહામારીના કારણે શ્રીલંકામાં પ્રવાસીઓનું આવવાનું બિલકુલ બંધ થઈ ગયું અને દેશનો વિદેશી મુદ્રા ભંડાર ઓછો થતો ગયો. આ કારણે કેનેડા જેવા અનેક દેશોએ હાલ શ્રીલંકામાં રોકાણ બંધ કરી દીધુ છે. 


સરકારના ખોટા નિર્ણય પણ જવાબદાર
કોવિડથી થયેલા નુકસાન સાથે જ શ્રીલંકાની સરકારે પણ કેટલીક એવી ભૂલો કરી કે જેના કારણે અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડી ગઈ. દાખલા તરીકે 2019માં નવી ચૂંટાયેલી સરકારે લોકોના ખર્ચ કરવાની ક્ષમતાને વધારવા માટે ટેક્સ ઓછો કરી દીધો. જેનાથી સરકારના  ખજાનાને ભારે નુકસાન થયું. દેશમાં કેમિકલ ફર્ટિલાઈઝરથી  ખેતી બંધ કરવાના આદેશની પણ ઘાતક અસર થઈ. વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ તેનાથી પાકના ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધયો. આ સિવાય શ્રીલંકાની ખરાબ આર્થિક સ્થિતિનું કારણ તેના પર વધતું દેવું પણ છે. એકલા ચીન પાસેથી જ શ્રીલંકાએ  5 અબજ ડોલરનું દેવું કર્યું છે. ભારત અને જાપાનનું પાસેથી પણ કરજ લીધેલું છે. 


આ વર્ષે આટલું ચૂકવવાનું છે દેવું
એક રિપોર્ટ મુજબ 2022માં શ્રીલંકાએ સાત અબજ ડોલરનું દેવું ચૂકવવાનું છે. હાલની સ્થિતિ જોતા શ્રીલંકા ડિફોલ્ટર જાહેર થાય તેનું જોખમ તોળાઈ રહ્યું છે. સરકારે IMF પાસેથી પણ બેલઆઉટ પેકેજની ગુહાર લગાવી છે. જો તેમની આ ગુહાર માનવામાં ન આવે તો સ્થિતિ વધુ ખરાબ થશે. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એશિયન દેશોમાં સૌથી વધુ મોંઘવારી શ્રીલંકામાં વધી છે. ફેબ્રુઆરી 2021ની સરખામણીમાં ફેબ્રુઆરી 2022માં રિટેલ મોંઘવારી 15.1 ટકા વધી ગઈ. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube