Sri Lanka Political Crisis: આર્થિક અને રાજકીય સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકામાં સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે. આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી બદલાઈ ગયા છે. રાનિલ વિક્રમસિંઘે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ એક દિવસ પછી શ્રીલંકાના વરિષ્ઠ સાંસદ દિનેશ ગુણવર્ધનેએ આજે નવા પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા. 73 વર્ષના ગુણવર્ધને શ્રીલંકાના 15મા પ્રધાનમંત્રી ચૂંટાઈ આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ ગૃહમંત્રી હતા
ડેઈલી મીરરના રિપોર્ટ મુજબ ગુરુવારે શ્રીલંકાના પોદુજાના પેરામુના (એસએલપીપી) પાર્ટીની અંદર અનેક ચર્ચાઓ થયા બાદ ગુણવર્ધનેને રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ ફ્લાવર રોડ, કોલંબોમાં પ્રધાનમંત્રી કાર્યાલયમાં શપથ લેવડાવ્યા. ગુણવર્ધનેને એપ્રિલમાં તત્કાલિન રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ ગૃહમંત્રી નિયુક્ત કર્યા હતા. ગોટબાયા દેશ છોડીને  ભાગી ગયા અને પદેથી રાજીનામું આપી દીધા બાદ પૂર્વ પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે 21 જુલાઈના રોજ શ્રીલંકાના 8માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. 


સૂત્રોના જણાવ્યાં મુજબ ગોટબાયા રાજપક્ષે અને રાનિલ વિક્રમસિંઘના મંત્રીમંડળમાં કામ કરનારા મંત્રીઓને શુક્રવારે શપથ લેવડાવવામાં આવશે. સરકાર અટકેલા કામો ફરી શરૂ કરવાની કોશિશમાં છે. જો કે સૂત્રોના જણાવ્યાં મુજબ 27 જુલાઈના રોજ સંસદનું સત્ર બોલાવવામાં આવ્યા બાદ એક રાષ્ટ્રીય સરકાર પર ચર્ચા થશે. 


બંધ પડેલા કામ ચાલુ થશે
સૂત્રોના જણાવ્યાં મુજબ રાજકીય પક્ષોના રાષ્ટ્રીય સરકાર બનાવ્યા બાદ મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવશે અને નવા કેબિેનેટ મંત્રી શપથ લેશે. મીડિયા પોર્ટલ મુજબ વરિષ્ઠ સૂત્રોએ કહ્યું કે હજું ગણા બધા કાગળો છે જેમને કેબિનેટને સોંપવાની જરૂર છે અને મંત્રાલયોએ કામ કરવાનું બંધ કરી દીધુ છે. આથી ગત સરકાર આજે શપથ લેશે અને પોતાના કામ ફરીથી શરૂ કરશે. 


પ્રદર્શનકારીઓ પર કડકાઈ
આ બધા વચ્ચે શુક્રવારે વહેલી સવારે કોલંબોમાં શ્રીલંકન રાષ્ટ્રપતિ સચિવાલયના પરિસર બહાર મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ અને સશસ્ત્ર સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ સચિવાલયના પરિસરની બહાર નવા રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓને નિયંત્રિત કરવા માટે સશસ્ત્ર સૈનિકોને તૈનાત કરાયા હતા. પ્રદર્શનકારીઓ પર આરોપ છે કે રાજધાનીમાં ચાલી રહેલા સરકાર વિરોધી ધરણા શિબિર પર સુરક્ષાકર્મીઓએ દરોડા પાડ્યા. શ્રીલંકાના રાષ્ટ્રપતિ સચિવાલયના પરિસર બહાર સશસ્ત્ર સુરક્ષાકર્મીઓ દ્વારા પ્રદર્શનકારીઓના ટેન્ટ તોડવામાં આવી રહ્યા છે. 


સશસ્ત્ર દળોની કાર્યવાહી વચ્ચે એક પ્રદર્શનકારીએ એમ પણ કહ્યું કે રાનિલ વિક્રમસિંઘે અમને તોડવા માંગે છે તેઓ ફરીથી આવું કરી રહ્યા છે, પરંતુ અમે ક્યારેય હાર નહીં માનીએ. અમે અમારા દેશને આવા ખરાબ રાજકારણથી મુક્ત કરવા માંગીએ છીએ. વિક્રમસિંઘેએ ગુરુવારે સંસદભવનમાં ચીફ જસ્ટિસ  જયંત જયસૂર્યા સમક્ષ શ્રીલંકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. બુધવારે સંસદમાં થયેલી ચૂંટણીમાં તેમને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube