નવી દિલ્હી: શ્રીલંકાના પીએમના ભારત પ્રવાસ પહેલા ત્યાંની સરકારે પોતાની રીતે એક ખાસ ભેટ આપી છે. શ્રીલંકાએ 30 કરોડ ડોલર (22 અબજ રૂપિયાથી વધુ)ની હાઉસિંગ ડીલ ચીની કંપનીને આપવાનો પોતાનો નિર્ણય બદલ્યો છે. શ્રીલંકાની સરકારે કહ્યું કે હવે આ ડીલને ભારતીય કંપનીની જોઈન્ટ વેન્ચર પૂરી કરશે. શ્રીલંકાના પીએમ રાનિલ વિક્રમાસિંઘે શનિવારે ભારતની મુલાકાતે આવશે. તેઓ પીએમ મોદી સાથે મુલાકાત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકા અને ભારતના વર્ષોથી સારા સંબંધ છે. શ્રીલંકાના ઉત્તર અને પૂર્વમાં રહેતા તમિલોના કારણે બંને દેશો વચ્ચે સાંસ્કૃતિ અને એથનિક લિંકનો લાંબો ઈતિહાસ છે. ચીનની સરકારી કંપની ચાઈના રેલવે બેઈજિંગ એન્જિનિયરિંગ ગ્રુપ કો લિમિટેડે એપ્રિલમાં શ્રીલંકાના જાફનામાં 40000 ઘર બનાવવાનો 30 કરોડ ડોલરનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. 


આ પ્રોજેક્ટમાં ચીનની એગ્ઝિમ બેંક તરફથી ફન્ડિંગ થઈ રહ્યું હતું. જો કે સ્થાનિક લોકો તરફથી ઈટના ઘરોની માગણી હોવાના કારણે પ્રોજેક્ટ અભરાઈએ ચઢી ગયો. લોકોનું કહેવું હતું કે તેમને  પરંપરાગત ઈટના ઘર જોઈએ. જ્યારે ચીનની કંપની કોંક્રીટ સ્ટ્રક્ચર પ્રમાણે ઘર બનાવવાની તૈયારીમાં હતી. 


બુધવારે શ્રીલંકા સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે કેબિનેટે 28000 ઘરો બનાવવાનો 3580 કરોડ રૂપિયાનો નવો પ્રસ્તાવ પાસ કરી દીધો છે. જેને ભારતીય કંપની એનડી એન્ટરપ્રાઈઝ બે શ્રીલંકન કંપનીઓ સાથે મળીને બનાવશે. તેમણે જણાવ્યું કે કુલ 65000 ઘરોની જરૂર છે જેમાંથી આટલા ઘરોનો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. 


પ્રવક્તાએ જણાવ્યું કે બાકીના ઘર બનાવવાનો કોન્ટ્રાક્ટ તે કંપનીને અપાશે જે ઓછી કિંમતે કામ કરવા માટે તૈયાર થશે. જો કે તેમણે એમ પણ કહ્યું કે આવનારા પ્રોજેક્ટ્સ માટે ચીન અંગે પણ વિચારવામાં આવશે. બેઈજિંગમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગે કહ્યું કે તેમને આશા છે કે ચીન અને શ્રીલંકા વચ્ચેના સંબંધને નિષ્પક્ષ રીતે જોવામાં આવશે. 


આલોચકોનું કહેવું છે કે શ્રીલંકાના દક્ષિણમાં મોટા પોર્ટ બનાવવાના ચીનના  પ્રોજેક્ટ અને તેના સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા ખર્ચ દેશના 2 કરોડથી વધુ લોકોને ભારે દેવામાં ડૂબાડી રહ્યાં છે. તમિલ ટાઈગર વિદ્રોહીઓની સાથે ચાલેલા 26 વર્ષના યુદ્ધ દરમિયાન ધ્વસ્ત થયેલા ઘરોના પુર્નનિર્માણના પહેલા તબક્કામાં ભારતીય કંપની ઉત્તરી શ્રીલંકામાં આ ઘરોનું નિર્માણ કરશે. 


આ ઉપરાંત પલાલી એરપોર્ટ અને કંકેશંથુરઈ પોર્ટના પુર્નનિર્માણની પણ યોજના છે. જો કે હાલના વર્ષોમાં ચીને શ્રીલંકામાં પોર્ટ, પાવર પ્લાન્ટ્સ અને હાઈવે બનાવવાના તમામ મેગા પ્રોજેક્ટ્સ મેળવ્યાં છે. ચીન પોતાની સ્ટ્રિંગ ઓફ પર્લ્સ (મોતીઓની માળા) રણનીતિ હેઠલ એશિયાના દેશોમાં પોર્ટ બનાવી રહ્યું છે.