શ્રીલંકાના રાજકારણમાં ચીનની ઘૂસણખોરી, સાંસદો ખરીદવા રાજપક્ષેને આપે છે પૈસા!
શ્રીલંકાના રાજકારણમાં મચેલા સત્તાના ઘમાસાણમાં ચીનનો પણ એક એંગલ સામે આવતા ખળભળાટ જોવા મળી રહ્યો છે.
કોલંબો: શ્રીલંકાના રાજકારણમાં મચેલા સત્તાના ઘમાસાણમાં ચીનનો પણ એક એંગલ સામે આવતા ખળભળાટ જોવા મળી રહ્યો છે. શ્રીલંકાના બરખાસ્ત કરાયેલા પીએમ વિક્રમ રાનિલસિંઘેના એક મંત્રીએ આરોપ લગાવ્યો છે કે ચીન મહિન્દ્રા રાજપક્ષેને મોટા પ્રમાણમાં પૈસા આપી રહ્યું છે, જેના કારણે રાનિલસિંઘેના સાંસદોને ખરીદી શકાય. શ્રીલંકા હાલના સમયમાં સૌથી મોટા સત્તાસંઘર્ષ સામે ઝઝૂમી રહ્યું છે. રાષ્ટ્રપતિ સિરીસેનાએ રાનિલ વિક્રમસિંઘેને બરતરફ કરીને મહિન્દ્રા રાજપક્ષેને નવા વડાપ્રધાન બનાવી દીધા હતાં.
ત્યારાબાદ શ્રીલંકાની સંસદના સ્પીકરે રાજપક્ષેની નિમણૂંકને ગેરકાયદેસર ગણાવીને રાનિલ વિક્રમસિંઘેને જ વડાપ્રધાન તરીકે માન્યતા આપી હતી. ત્યારબાદ શ્રીલંકામાં સત્તાનો સંઘર્ષ વધુ ગૂંચવાઈ ગયો. વિક્રમાસિંઘેને અમેરિકા સહિત અન્ય દેશોનું સમર્થન પ્રાપ્ત છે. જ્યારે ચીન મહિન્દ્રા રાજપક્ષેના સમર્થનમાં છે.
રાજપક્ષેના સમર્થનમાં કેમ છે ચીન?
મહિન્દ્રા રાજપક્ષે રાષ્ટ્રપતિ હતા ત્યારે ચીને શ્રીલંકામાં ખુબ રોકાણ કર્યું હતું. શ્રીલંકા પર ચીનના આ ભારેભરખમ રોકાણનું પરિણામ એ આવ્યું કે શ્રીલંકાનો એક પોર્ટ સંપૂર્ણ રીતે ચીનના કબ્જામાં જતું રહ્યું છે. હિંદ મહાસાગરમાં ચીને હંમેશથી ભારતને ઘેરવા માટે તેના પાડોશી દેશોને મહોરા બનાવતું રહ્યું છે. હવે તે ફરીથી રાજપક્ષેને સમર્થન આપીને શ્રીલંકામાં પોતાની જડ મજબુત કરવા માંગે છે.
સત્તાનો સંઘર્ષ
શ્રીલંકાના સદનમાં 225 સભ્યો છે. જેમાં 105 રાનિલ વિક્રમાસિંઘેના સભ્યો છે. જ્યારે મહિન્દ્રા રાજપક્ષે અને સીરિસેના પાસે કુલ મળીને 98 સભ્યો છે. સ્પષ્ટ છે કે કોઈની પાસે પૂરી બહુમતી નથી. આવામાં હોર્સ ટ્રેડિંગની ધૂમ છે. વિક્રમાસિંઘેના એક અધિકારી રંજન રામાનાયકે આરોપ લગાવ્યો છે કે ચીન સાંસદોને ખરીદવા માટે રાજપક્ષેને પૈસા આપી રહ્યું છે. તેમણે કહ્યું કે ચીન આ લાખો રૂપિયાથી ફક્ત સાંસદો નથી ખરીદી રહ્યું પરંતુ આપણો આખો દેશ ખરીદી રહ્યો છે.