નવી દિલ્હી : ઇરાકના મોસૂલમાં 39 ભારતીયોની હત્યા મામલે નિવેદન આપતાં લોકસભામાં થયેલા હંગામાને લઇને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે, મને ઘણું દુખ છે કે હું અહીં મોતના સમાચાર જણાવી રહી હતી. પરંતુ હંગામાને લઇને લોકસભામાં આ મામલે કંઇ પણ બોલી શકી નહી. મને સૌથી વધુ દુખ એ વાતનું છે કે આ હંગામાનું નેતૃત્વ કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયા કરી રહ્યા હતા. હું પુછવા માગું છું કે શું કોંગ્રેસની સંવેદના મરી ચૂકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચો : ઇરાકના મોસુલમાં ત્રણ વર્ષથી ગૂમ 39 ભારતીયોના મોત


સુષ્મા સ્વરાજે જણાવ્યું કે, પરિવારજનો પહેલા સંસદમાં આ વાત જણાવવાનો આગ્રહ એટલા માટે રાખ્યો કે મેં લોકસભામાં જ કહ્યું હતું કે જો મને આ અંગે જાણકારી મળશે અને જો એ વખતે સંસદની કાર્યવાહી ચાલી રહી હશે તો હું એની જાણકારી આપીશ. જો સંસદ ચાલુ ન હોત તો આ જાણકારી ટ્વિટ મારફતે આપત. 


તેમણે કહ્યું કે, મેં જે વાત આજે સંસદમાં જણાવી છે તે મને આજે જ ઇરાકના સંગઠન પાસેથી મળી છે. મેં 2014 અને 2017માં લોકસભામાં કહ્યું હતું કે, જ્યાં સુધી 39 ભારતીયોના મોત અંગે પાકી ખાતરી નહીં થાય ત્યાં સુંધી દેશની સામે કંઇ પણ નહીં કહું. હું હંમેશા મારા નિર્ણય પર અડગ છું. 


અહીં નોંધનિય છે કે, મોસુલથી સરકારે 39 લાશનો કબ્જો મેળવ્યો છે. જેમાંથી 38 લાશના ડીએનએ પરિક્ષણ કરી દેવાયા છે. જેમાંથી 27 પંજાબ, 4 હિમાચલ પ્રદેશ, 6 બિહાર અને 2 પશ્વિમ બંગાળના મૃતક છે. જોકે બિહારના એક વ્યક્તિની ઓળખ હજુ થઇ શકી નથી. 


તેમણે કહ્યું કે, પ્લેન મારફતે લાશોને ચંડીગઢ લવાશે. ત્યાર બાદ આ પ્લેનને હિમાચલ અને પટના લઇ જવાશે. છેલ્લે આ પ્લેન પશ્વિમ બંગાળ લઇ જવાશે અને પરિવારજનોને લાશ સોંપવામાં આવશે. હું પરિવારજનોને ખાતરી આપવા માગું છું કે, મેં ક્યારેય એમનાથી સચ્ચાઇ છુપાવી નથી. પુરાવા એકત્ર કર્યા બાદ આપની સામે આવી છું. લાશથી વધુ મોટો કોઇ પુરાવો ન હોઇ શકે. 


આ ભારતીયો પૈકી જાન બચાવી પરત ફરેલ હરજીત મસીહના નિવેદન અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે, તે વ્યક્તિ છે અને અમે સરકાર. માત્ર એક વ્યક્તિના નિવેદનને આધારે અમે કોઇ નિષ્કર્ષ પર ન આવી શકીએ. અમે ડીએનએ ટેસ્ટ મારફતે મૃતકોની ઓળખ કરી છે.