Pakistan News: પાકિસ્તાનના મિયાંવલીમાં એક મોટો આતંકી હુમલો થયો હોવાની જાણકારી મળી છે. એવું કહેવાય છે કે આતંકવાદી એરબેસમાં ઘૂસી ગયા છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. તહરીકે જિહાદ પાકિસ્તાન નામના સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે. આ સમગ્ર મામલે હવે પાકિસ્તાની સેનાનું નિવેદન પણ સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરબેસમાં ઘૂસ્યા આતંકીઓ
મીડિયા રિપોર્ટ્સ મુજબ આત્મઘાતી હુમલાખોરો સહિત ભારે હથિયારોથી લેસ 5-6 આતંકીઓ પંજાબ પ્રાંતના મિયાંવલી સ્થિત પાકિસ્તાની વાયુસેનાના એરબેસમાં ઘૂસી ગયા છે. બંને બાજુથી જબરદસ્ત ફાયરિંગ થઈ રહ્યું છે. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એરબેસની અંદર આગની જ્વાળાઓ જોવા મળી રહી છે. 


પાકિસ્તાની સેનાનું નિવેદન
પાકિસ્તાની સેના (ISPR) એ આ હુમલા અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવાયું છે કે '4 નવેમ્બર 2023ના રોજ વહેલી સવારે પાકિસ્તાની વાયુસેનાના મિયાંવલી ટ્રેનિંગ એરબેસ પર એક અસફળ આતંકવાદી હુમલાની કોશિશ કરાઈ છે. સૈનિકો દ્વારા તત્કાળ કરાયેલી જવાબી કાર્યવાહીથી હુમલાને નિષ્ફળ કરવામાં આવ્યો છે. જેનાથી કર્મીઓ અને સંપત્તિઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ. સુરક્ષાકર્મીઓએ અસાધારણ સાહસનો પરિચય આપતા 3 આતંકીઓને બેસમાં ઘૂસતા પહેલા જ ઠાર કર્યા. જ્યારે બચેલા 3 આતંકીઓને સૈનિકો દ્વારા ઘેરી લેવાયા છે.' 


સેનાના નિવેદન મુજબ 'જો કે હુમલા દરમિયાન પહેલેથી જ જમીન પર પડેલા 3 ફાઈટર વિમાનો અને એક ઈંધણ બાઉઝરને નુકસાન પહોંચ્યું છે. વિસ્તારને સંપૂર્ણ રીતે ખાલી કરાવવા માટે એક વ્યાપક અભિયાન ચલાવવામાં આવ્યું છે.' 


આ સંગઠને લીધી જવાબદારી
તહરીક એ જિહાદ પાકિસ્તાન (ટીજેપી)ના પ્રવક્તા મુલ્લા મોહમ્મદ કાસિમે મિયાંવલીના એરબેસ પર થયેલા હુમલાની જવાબદારી લીધી છે અને દાવો કર્યો છે કે અનેક આત્માઘાતી હુમલાખોરો તેમાં સામેલ છે. સ્થાનિક રહીશોએ હુમલાની પુષ્ટિ કરતા સોશિયલ મીડિયા પર વીડિયો ફૂટેજ પોસ્ટ કર્યા છે. આતંકવાદી સમૂહે એવો પણ દાવો કર્યો છે કે તેમણે બેસ પર રહેલા એક ટેંકને પણ નષ્ટ કરી છે. હાલ એરબેસ પર પાકિસ્તાની સુરક્ષાદળોનું અભિયાન ચાલુ છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube