Tipu Sultan ની પૌત્રી કેવી રીતે બની અંગ્રેજોની સૌથી મોટી જાસૂસ? જાણો ઈતિહાસના પન્નાઓમાં છુપાયેલી રોચક કહાની
યશ કંસારા, અમદાવાદઃ મૈસૂરના રાજા ટીપૂ સુલતાન ભલે અંગ્રેજો સામે લડાઈમાં પોતાનું જીવન ગુમાવ્યું હોય. પણ 150 વર્ષ બાદ તેમની પૌત્રી ઈંગ્લેન્ડમાં બહાદુરી અને દેશભક્તિનું પ્રતિક બની. ટીપૂ સુલતાને કેવી રીતે અંગ્રેજો સામે લડત ચલાવી, એ વાર્તા તો તમામને ખબર છે. પણ તેમની પૌત્રી નૂર ઈનાયત ખાનની બહાદુરીની વાર્તા લોકો સામે આવતા 60 વર્ષ લાગ્યા. ત્યારે, જાણો નૂર ઈનાયતની કહાની આ આર્ટીકલમાં. મૈસુરના રાજા ટીપૂ સુલતાનના ખાનદાન સાથે જોડાયેલી નૂર ઈનાયત ખાન બીજા વિશ્વયુદ્ઘમાં બ્રિટેન માટે જાસૂસી કરતી પકડાઈ હતી. જર્મનીના સરમુખત્યાર સાક્ષક હિટલરે તેની મરાવી નાખી હતી. તેની મોત એવી રીતે જ સાઇલેન્ટ હતી જે રીતે કોઈ જાસૂસનું જીવન હોય. જોકે, દાયકાઓ બાદ ઈતિહાસના પાના ફર્યા અને નૂર ઈનાયત ખાનની વાર્તા લોકો સામે આવી.
બાળપણથી જ હતી નૂરમાં દેશભક્તિ-
નૂરનો જન્મ 1914માં મોસ્કોમાં પહેલી જાન્યુઆરી થયો હતો. નૂરના પિતા ઈનાયત ખાન ગાયક હતા અને સૂફી ઉપદેશક હતા. જ્યારે, તેની માતા અંગ્રેજ હતી. જેમનું નામ ઓરા-રે બેકર હતું. વર્ષ 1914માં જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયો ત્યારે નૂરનો પરિવાર રશિયાથી ઈંગ્લેન્ડ ગયો હતો. અને બાદમાં ઈંગ્લેન્ડમાં જ નૂર મોટી થઈ. માત્ર 6 વર્ષની ઉંમરથી જ નૂરમાં ભારત માટે એવી દેશભક્તિ હતી કે, બ્રિટીશ સરકારે ત્યારથી જ નૂર પર નજર રાખવાની શરૂઆત કરી હતી. 1920માં તેના પિતાને લાગ્યું કે નૂર કોઈ મુસીબતમાં ફસાઈ શકે છે. જેથી તેમણે પેરિસ રહેવા જવાનો નિર્ણય લીધો. નૂરનું બાકીનું ભણતર પેરિસમાં થયું. તેના ત્રણ નાના ભાઈ-બહેન હતા. 1927માં જ્યારે 13 વર્ષની ઉંમરે નૂર ભારતના પ્રવાસે હતી. ત્યારે, તેના પિતાનું મૃત્યું થયું હતું.
નૂરના દિલમાં જાગી બદલાની આગ-
ઘરમાં સૌથી મોટી હોવાના કારણે નૂરે તમામ જિમ્મેદારી પોતાના માથે ઉપાડી લીધી. પેરિસમાં રહેતી વખતે નૂરની ફ્રેન્ચ ભાષા પર પકડ મજબૂત થઈ હતી. તે ફ્રેન્ચ ભાષામાં બાળકો માટે વાર્તાઓ લખતી હતી. તે મેગ્ઝીન અને રેડિયો માટે પણ કામ કરતી હતી. 1940માં જ્યારે નાઝી (NAZI)ઓએ ફ્રાન્સ પર કબ્જો કર્યો ત્યારે, ફરીવાર નૂર અને તેનો પરિવાર ઈંગ્લેન્ડ રહેવા જતો રહ્યો. ફ્રાન્સ પર જર્મનીના કબ્જાથી નૂર વિચલિત થઈ હતી. અને તે જર્મની સામે બદલો લેવા માગતી હતી.
ઈંગ્લેન્ડ એરફોર્સમાં જોડાઈ નૂર-
ઈંગ્લેન્ડ આવ્યા બાદ નૂરે સૌથી પહેલાં ઈંગ્લેન્ડની રોયલ એરફોર્સમાં ભરતી થવાનો નિર્ણય લીધો. જ્યાં, તેને વાયરલેસ ઓપરેટર તરીકેની નોકરી મળી. પોતાની કામ કરવાની નિષ્ઠાના કારણે તે રોયલ એરફોર્સમાં ફેમસ થઈ ગઈ. આ વચ્ચે ખુફિયા એજન્સી SOE (સ્પેશિયલ ઓપરેશનસ્ એગ્ઝિક્યુટીવ)ની નૂર પર નજર પડી. નૂર ફ્રાન્સમાં રહી ચુકી હતી. જેથી તેની ફ્રેન્ચ ભાષા ખૂબ સારી હતી.
તે સમયે ઈંગ્લેન્ડની ખુફીયા એજન્સી SOE જર્મની સામે લડવા માટે અલગ-અલગ ગૃપને મદદ કરતું હતું. માત્ર ફ્રાન્સ જ નહીં પણ જર્મનીએ અનેક દેશો પર કબ્જો કર્યો હતો. દરેક જગ્યાએ જર્મની સામે રોષ હતો.
ખુફીયા એજન્સીમાં નૂરની એન્ટ્રી-
SOEની નજર નૂર પર પડી અને તેને એક સ્પેશિયલ ઓપરેશન માટે સિલેક્ટ કરવામાં આવી. તેનું કામ હતું ફ્રાન્સમાં વિદ્રોહીઓને મદદ કરવાનું. જૂન 1943માં નૂરને ફ્રાન્સમાં મોકલવામાં આવી હતી. નૂરનું સિક્રેટ નામ હતુ 'મેડલિન'. નૂર ફ્રાન્સના શહેર લી મેન્સમાંથી ઓપરેટ કરતી હતી. જ્યાંથી તે પેરિસ આવતી અને વિદ્રોહીઓને મદદ કરતી હતી. જે નેટવર્કમાં તે કામ કરી રહી હતી. ત્યાં, બીજા પણ વાયરલેસ ઓપરેટર્સ હતા. પણ નૂર એકમાત્ર ફિમેલ ઓપરેટિવ હતી જે ફ્રાન્સમાં રહીને ઈંગ્લેન્ડ માટે કામ કરી રહી હતી. આ પુરા નેટવર્કનું નામ રાખવામાં આવ્યું હતું 'પ્રોસ્પર'. જોકે, થોડા દિવસોમાં જ પ્રોસ્પર ગૃપના મહત્તમ ઓપરેટિવ નાઝીઓના સકંજામાં આવ્યા. માત્ર નૂર જ બચવામાં સફળ રહી હતી.
જોકે, નૂર પણ લાંબા સમય સુધી બચીને નહીં રહી શકી. અને તેના સાથી ઓપરેટિવના કારણે તે ઓક્ટોબર 1943માં પકડાઈ હતી. એક મહિના બાદ તેને પેરિસથી જર્મની લઈ જવામાં આવી હતી. તમામ પ્રકારની હૈવાનિયત સહન કર્યા બાદ પણનૂરે પોતાનું મોઢું નોહતું ખોલ્યું. લગભગ એક વર્ષ સુધી મ્યૂનિકના એક ડિટેન્શન કેમ્પમાં રાખ્યા બાદ નૂર અને તેના ત્રણ સાથીઓને ગોળી મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.
કેવી રીતે આવી નૂરની વાર્તા દૂનિયા સામે-
62 વર્ષ સુધી નૂરની વાર્તા ઈતિહાસના પાનાઓમાં કેદ રહી. પણ 2006માં એક પુસ્તકથી નૂરની વાર્તા લોકો સામે આવી. જે બાદ તો નૂરના જીવન પર ફિલ્મ પણ બની. અને બ્રિટેનના ઘણા બધા સન્માન નૂર ઈનાયત ખાનના નામે કરવામાં આવ્યા. 2012માં નૂરના સન્માનમાં લંડનમાં તેની પ્રતિમા પણ લગાવવામાં આવી છે.