Russia Ukraine War: યુક્રેનમાં યુદ્ધથી પ્રભાવિત બાળકોની મદદ માટે રશિયન પત્રકારે નોબેલ પુરસ્કારની કરી હરાજી
Russian Journalist Sells Nobel Prize: રશિયાના પત્રકાર દમિત્રિ મુરાતોવે નોબેલ પુરસ્કારની હરાજીથી મળેલી રકમ યુક્રેનમાં યુદ્ધથી વિસ્થાપિત થયેલા બાળકોની મદદ માટે દાન કરશે.
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનમાં ભારે તબાહી વચ્ચે મોટી સંખ્યામાં લોકોનું પલાયન થયું છે. યુક્રેનમાં યુદ્ધથી બાળકો ખુબ પ્રભાવિત થયા છે. આ વચ્ચે રશિયાના પત્રકારે યુક્રેનમાં બાળકોની મદદ કરવા માટે પોતાના નોબેલ પુરસ્કારની હરાજી કરી દીધી છે. રશિયાના પત્રકાર દમિત્રિ મુરાતોવે શાંતિ માટે મળેલા નોબેલ પુરસ્કારની સોમવારે હરાજી કરી દીધી છે.
રશિયાના પત્રકાર દમિત્રિ મુરાતોવ પુરસ્કારની હરાજીથી મળનાર રકમ યુક્રેનમાં યુદ્ધથી વિસ્થાપિત થયેલા બાળકોની મદદ માટે દાન કરશે. તે આ રકમ સીધી યુનીસેફને ટ્રાન્સફર કરશે જેથી બાળકોની મદદ કરી શકાય.
રશિયાના પત્રકારે નોબેલ પુરસ્કારની કેમ કરી હરાજી?
રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન પત્રકાર અને સ્વતંત્ર સમાચાર પત્ર નોવાયા ગજેટાના મુખ્ય એડિટર રહેલા દમિત્રિ મુરાતોવે સોમવારે યુક્રેનમાં યુદ્ધથી વિસ્થાપિત બાળકોની મદદ માટે પોતાના નોબેલ શાંતિ પુરસ્કારના ગોલ્ડ મેડલને 103.5 મિલિયન ડોલરમાં હરાજી કરી છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન વરિષ્ઠ પત્રકારે કહ્યુ કે તે વિશેષ રૂપથી તે બાળકો માટે ચિંતિત છે જે યુક્રેનમાં જંગ દરમિયાન અનાથ થયા છે. તેમણે કહ્યું કે અમે તેનું ભવિષ્ય પરત આપવા ઈચ્છીએ છીએ.
દમિત્રિ મુરાતોવને ક્યારે મળ્યો હતો નોબેલ પુરસ્કાર?
રશિયન પત્રકાર દમિત્રિ મુરાતોવને વર્ષ 2021માં ફિલિપિન્સના પત્રકાર મારિયા રસા સાથે શાંતિનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. સમિતિએ તેમને અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા માટેના પ્રયાસો માટે સન્માન કર્યું હતું. તેઓ તે પત્રકારોના સમૂહમાં સામેલ હતા જેમણે સોવિયત સંઘના પતન બાદ 1993માં નોવાયા ગઝેટાની સ્થાપના કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube