બાંગ્લાદેશમાં હિન્દુઓના કત્લેઆમ બાદ હવે પાડોશી દેશના કટ્ટરપંથીઓ ભારત વિરોધી પ્રોપગેન્ડા ફેલાવવામાં લાગ્યા છે. છેલ્લા કેટલાય કલાકોથી સોશિયલ મીડિયા પર #IndiaOut અને  #ShameOnIndia જેવા ટ્રેન્ડ ચાલી રહ્યા છે. ભારતીય સામાનોનો બહિષ્કાર કરવાના નારા ઉચ્ચારવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશના મીડિયામાં પણ એવા સમાચાર આવ્યા છે જેમાં દાવો કરાયો છે કે દેશના કેટલાક ભાગોમાં ભારતના કારણે પૂર આવી ગયું છે. એવું કહેવાય છે કે બાંગ્લાદેશના સરહદી જિલ્લાઓમાં આવેલા પૂરનું કારણ ત્રિપુરાના ડંબુર બંધ ખુલવાના કારણે છે. જેના પર ભારતે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે આપી પ્રતિક્રિયા
ભારત સરકારે બાંગ્લાદેશના આરોપોને ખોટા ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહી દીધુ કે પૂરની આ સ્થિતિ ત્રિપુરાના બંધમાંથી પાણી છોડવાના કારણે ઊભી થઈ નથી. બાંગ્લાદેશના મીડિયામાં એવો દાવો કરાયો છે કે પૂરની સ્થિતિ ત્રિપુરામાં ગુમતી નદી પર બનેલા બંધના ફાટક ખોલવાના કારણે પેદા થઈ છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને દેશો વચ્ચે શેર થતી નદીઓમાં આવનારું પૂર  એક સંયુક્ત સમસ્યા છે. જેનાથી બંને પક્ષોના લોકોને પરેશાની થાય છે. તેના સમાધાન માટે ગાઢ આપસી સહયોગની જરૂર છે. 


મંત્રાલયે કહ્યું કે અમે બાંગ્લાદેશમાં એવા સમાચાર જોયા છે કે પૂર્વ સરહદ પર આવેલા જિલ્લાઓમાં પૂરની હાલની સ્થિતિ ત્રિપુરાના ડંબુર બંધના દરવાજા ખોલવાના કારણે પેદા થઈ છે. જે તથ્યાત્મક રીતે સાચી નથી. 


મંત્રાલયે કહ્યું કે અમે એ જણાવવા ઈચ્છીશું કે ભારત અને બાંગ્લાદેશમાથી પસાર થતી ગુમતી નદીના જળગ્રહણ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં આ વર્ષનો સૌથી વધુ વરસાદ પડ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે બાંગ્લાદેશમાં આવેલું પૂર મુખ્ય રીતે બંધની નીચેની બાજુ આ મોટા જળગ્રહણ ક્ષેત્રોના પાણીના કારણે થઈ છે. ડંબુર બંધ (બાંગ્લાદેશની) સરહદથી 120 કિમીથી વધુ દૂર છે. જે ઓછી ઊંચાઈ (લગભગ 30 મીટર)નો બંધ છે અને વીજળી પેદા કરે છે તથા આ વીજળી ગ્રિડમાં જાય છે જેનાથી બાંગ્લાદેશને પણ ત્રિપુરાથી 40 મેગાવોટ વીજળી મળે છે. મંત્રાલયે કહ્યું કે લગભગ 120 કિલોમીટર લાંબા નદીના રસ્તામાં અમરપુર, સોનામુરા, અને સોનામુરા 2માં ત્રણ જળસ્તર નિગરાણી સ્થળ છે. 


ભારતે મોકલ્યો હતો મેસેજ
સમગ્ર ત્રિપુરા અને બાંગ્લાદેશના આજુબાજુના જિલ્લાઓમાં 21 ઓગસ્ટથી ભારે વરસાદ પડી રહ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે વધુ પ્રવાહ થઈ જાય ત્યારે પાણી છોડવામાં આવે છે. તેમણે કહ્યું કે અમરપુર સ્ટેશન દ્વિપક્ષીય પ્રોટોકોલનો ભાગ છે જે હેઠળ બાંગ્લાદેશને ભારત તરફથી વાસ્તવિક સમયમાં પૂરના આંકડા મોકલવામાં આવે છે. તેમણે કહ્યું કે 21 ઓગસ્ટના રોજ બપોરે ત્રણ વાગ્યા સુધી બાંગ્લાદેશને વધતા પૂરની સ્થિતિ દર્શાવતા આંકડા મોકલવામાં આવ્યા હતા, સાંજે 6 વાગે પૂરના કારણે વીજળી જતી રહી જેનાથી કોમ્યુનિકેશનની સમસ્યા ઊભી થઈ. 


મંત્રાલયે કહ્યું કે આમ છતાં અમ ડેટાના તત્કાળ પ્રસારણ માટે બનાવવામાં આવેલા અન્ય સંચાર માધ્યમોથી સંચાર જાળવી રાખવાની કોશિશ કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને દેશ 54 સરહદપાર નદીઓ શેર કરે છે અને નદી જળ સહયોગ દ્વિપક્ષીય જોડાણનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ભારતે કહ્યું કે અમે દ્વિપક્ષીય પરામર્શ અને ટેક્નિકલ ચર્ચાઓના માધ્યમથી જળ સંસાધનો અને નદી જળ મેનેજમેન્ટમાં મુદ્દાઓ અને આપસી ચિંતાઓનું સમાધાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. 


બીજી બાજુ ત્રિપુરામાં પૂરની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે રાજ્યના મુખ્યમંત્રી માણિક સાહા સાથે પણ વાત કરી અને દરેક શક્ય મદદની ખાતરી આપી. શાહે પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું કે ત્રિપુરાના સીએમ સાથે વાત કરી અને રાજ્યમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી. કેન્દ્ર સરકાર રાહત અને બચાવ કાર્યોમાં સ્થાનિક સરકારની મદદ માટે બોટ અને હેલિકોપ્ટરો ઉપરાંત એડીઆરએફની ટીમો મોકલી રહી છે. જરૂર પડ્યે કેન્દ્ર સરકાર દરેક શક્ય મદદ કરશે તેવું આશ્વાસન પણ આપ્યું. મોદી સરકાર સંકટની આ ઘડીમાં ત્રિપુરામાં આપણી બહેનો અને ભાઈઓના પડખે છે. 


અત્રે જણાવવાનું કે ત્રિપુરામાં છેલ્લા બે દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. સતત મૂસળધાર વરસાદના કારણે પૂર અને  ભૂસ્ખલનની સ્થિતિ પેદા થઈ છે. અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘટનાસ્થળે એનડીઆરએફ, સ્થાનિક પોલીસ અને મેડિકલની અલગ અલગ ટીમો હાજર છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. દરેક શક્ય મદદ પહોંચાડવામાં આવી રહી છે.