વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે કંઈક એવું કર્યું કે વ્હાઈટ હાઉસનું જ ટોઈલેટ જામ થઈ ગયું હતું. હવે તે બાબતને લઈને હોબાળો મચી ગયો છે અને ટ્રમ્પ સામે તપાસની માંગ થઈ રહી છે. વાસ્તવમાં ટ્રમ્પ પર ઓફિસમાં હતા ત્યારે સત્તાવાર દસ્તાવેજો ફાડવાનો અને ફ્લશ કરવાનો આરોપ છે. તેમણે એટલા બધા પેપર્સ ફ્લશ કર્યા કે એક વખત વ્હાઇટ હાઉસનું ટોઇલેટ જામ થઈ ગયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સત્તાવાર દસ્તાવેજો મોકલ્યા હતા ફ્લોરિડા?
'ધ વોશિંગ્ટન પોસ્ટ'ના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે ઘણી વખત પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું હતું, પરંતુ આ વખતે મામલો પ્રેસિડેંશિયલ રેકોર્ડ સંભાળનાર નેશનલ આર્કાઈવ સાથે જોડાયેલો છે. હવે નેશનલ આર્કાઈવ ઈચ્છે છે કે પૂર્વ રાષ્ટ્રપતિની બીજા મામલાઓની સાથે પેપર ફાડવાની ટેવની તપાસ કરવામાં આવે. ટ્રમ્પ પર ફ્લોરિડામાં સત્તાવાર દસ્તાવેજો મોકલવાનો પણ આરોપ છે.


હાર પછી સાથે લઈ ગયા 15 બોક્સ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ આર્કાઈવ અનુસાર, રાષ્ટ્રપતિની ચૂંટણી હાર્યા બાદ વ્હાઈટ હાઉસ છોડતી વખતે ટ્રમ્પ પોતાની સાથે કાગળોથી ભરેલા 15 બોક્સ સાથે લઈને ગયા હતા. તેઓ ફ્લોરિડાના માર-એ-લાગો રિસોર્ટમાંથી મળી આવ્યા હતા. આ દસ્તાવેજોમાં ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન સાથે કરવામાં આવેલ પત્રવ્યવહારનો પણ સમાવેશ થાય છે.


ટ્રમ્પે આ નિયમનું કર્યું ઉલ્લંઘન
દસ્તાવેજો સાથે જોડાયેલા વોટરગેટ કૌભાંડ સામે આવ્યા પછી 1978માં રાષ્ટ્રપતિ રેકોર્ડ અધિનિયમ (PRA) પસાર કરવામાં આવ્યો હતો. આ અધિનિયમ હેઠળ અમેરિકી રાષ્ટ્રપતિઓને તમામ ઈમેલ, પત્રો અને અન્ય કાર્યકારી દસ્તાવેજો નેશનલ આર્કાઈવમાં ટ્રાન્સફર કરવા જરૂરી છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે તેમ ન કર્યું અને આ રીતે તેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યું. જેના કારણે હવે તેની સામે તપાસની માંગ ઉઠી છે.


ખુલાસાને પૂર્વ રાષ્ટ્રપતિએ ગણાવ્યો બકવાસ
'ન્યૂયોર્ક ટાઈમ્સ'ની પત્રકાર મેગી હેબરમેને તેના આગામી પુસ્તક 'કોન્ફિડન્સ મેન'માં આ બાબતને વિસ્તૃત રીતે જણાવી છે. પુસ્તક અનુસાર, વ્હાઇટ હાઉસના સ્ટાફે જોયું કે કાગળના કારણે ટોઇલેટ ભરાયેલું હતું, ત્યારબાદ એવું માનવામાં આવ્યું કે ટ્રમ્પે દસ્તાવેજો ફ્લશ કર્યા. જ્યારે, ડોનાલ્ડ ટ્રમ્પે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે, 'મારા વિશે જે કંઈ બતાવવામાં આવ્યું છે અથવા કહેવામાં આવ્યું છે તે ફેક ન્યૂઝ છે. જ્યારે હું રાષ્ટ્રપતિ હતો ત્યારે નેશનલ આર્કાઈવ સાથે મારો ઘણો સારો સંબંધ હતો. અમારી વચ્ચે કોઈ વિવાદ નહોતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube