દુબઈઃ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ કરેલી ટિપ્પણી બાદ ઉભો થયેલો વિવાદ શાંત થવાને બદલે સતત વધી રહ્યો છે. વિશ્વના અનેક મુસ્લિમ દેશોએ નૂપુર શર્માની ટિપ્પણી પર પોતાનો વિરોધ નોંધાવ્યો છે. કુવૈત, કતર, ઈરાન બાદ હવે યૂએઈએ પણ નૂપુર શર્માની ટિપ્પણીની નિંદા કરી છે. યૂએઈના વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરી કહ્યું કે જે વ્યવહાર નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતો વિરુદ્ધ છે તેને યૂએઈ નકારે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંયુક્ત અરબ અમીરાતે કહ્યું કે તમામ ધાર્મિક પ્રતિકોનું સન્માન કરવું જોઈએ અને હેટ સ્પીચને સંપૂર્ણ રીતે હતોત્સાહિત કરવી જોઈએ. નિવેદન પ્રમાણે આવી વાતોથી બચવું જોઈએ જેનાથી કોઈ ધર્મના લોકોની ભાવનાઓને ભડકાવવાનો ખતરો ન હોય. 


નૂપુર શર્માની ટિપ્પણીથી નારાજગી
ભાજપની પૂર્વ પ્રવક્તા તરફથી પયગંબર મોહમ્મદને લઈને કરવામાં આવેલી ટિપ્પણી બાદ મુસ્લિમ દેશોમાં નારાજગી જોવા મળી રહી છે. ઘણા દેશોએ ભારતની સામે સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. તો કુવૈત, કતર અને ઈરાને રવિવારે ભારતીય રાજદૂતોને સમન્સ પાઠવ્યું હતું. ખાડી દેશોએ આ ટિપ્પણીની નિંદા કરી પોતાનો વિરોધ દર્શાવ્યો છે. 


આ પણ વાંચોઃ પયગંબર પર ટિપ્પણીને લઈને વિવાદ વધુ ગરમાયો, કુવૈત સુપરમાર્કેટે ભારતીય ઉત્પાદનો હટાવી દીધા


નોંધનીય છે કે પયગંબર પર વિવાદિત ટિપ્પણી કરનાર પાર્ટી પ્રવક્તા નૂપુર શર્માને ભાજપે છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધી હતી. તો નવીન કુમાર જિંદલને પાર્ટીએ કાઢી મુક્યા છે. તે દિલ્હી ભાજપ મીડિયા સેલના હેડ હતા. આ સમગ્ર મામલો 27 મેએ નૂપુર શર્માએ એક ટીવી ચેનલમાં ડિબેટ દરમિયાન કરેલી ટિપ્પણીથી શરૂ થયો હતો. તેની ક્લિક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ ડિબેટમાં જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે ચર્ચા થઈ રહી હતી.


આ દરમિયાન ભાજપની પૂર્વ પ્રવક્તાએ કથિત રીતે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ટિપ્પણી કરી દીધી હતી. નૂપુર શર્મા પર પયગંબર મોહમ્મદનું અપમાન કરવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ દેશમાં પણ નૂપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શન થયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube