લંડન: બ્રિટનની એક કોર્ટે ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાને જબરદસ્ત મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે માલ્યાને કહ્યું છે કે તે 13 ભારતીય બેંકો સાથેની કાયદાકીય લડાઈમાં થયેલા ખર્ચનો ઓછામાં ઓછો 2 લાખ પાઉન્ડ (આશરે 1.81 કરોડ રૂપિયા)ની ચૂકવણી કરે. આ બેંકો માલ્યા સાથે પોતાના બાકી લેણા માટે કાનૂની લડાઈ લડી રહી છે. કોર્ટ એન્ડ્રયુ હેનશોએ ગત મહિને માલ્યાની સંપત્તિને જપ્ત કરવાના એક વિશ્વવ્યાપી આદેશને પલટવાનો ઈન્કાર કર્યો હતો. આ સાથે જ તેમણે ભારતીય કોર્ટની એ વ્યવસ્થાને યોગ્ય ઠેરવી હતી જેમાં ભારતીય સ્ટેટ બેંકના નેતૃત્વવાળી 13 ભારતીય બેંકોનો સમૂહ માલ્યા પાસેથી લગભગ 1.145 અબજ પાઉન્ડની વસૂલીના હકદાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આદેશ હેઠળ કોર્ટે માલ્યાને કહ્યું કે તે બ્રિટનમાં વિશ્વવ્યાપી જપ્તીના આદેશ તથા કર્ણાટકના ડીઆરટીના ફેસલાના રજિસ્ટ્રેશનના ખર્ચની ચૂકવણી કરે. આ મામલાની જાણકારી ધરાવતા એક કાયદાકીય વિશેષજ્ઞએ કહ્યું કે કોર્ટે માલ્યાને આદેશ આપ્યો છે કે બેંકને થયેલા ખર્ચની ચૂકવણી કરે. માનક આદેશ છે કે જો સંબંધિત પક્ષ ચૂકવણી કરવાની રકમને લઈને સહમત ન થાય તો કોર્ટ તેનું આકલન કરશે.


કોર્ટ દ્વારા આકલન એક અલગ પ્રક્રિયા છે. જે વિશેષ જજ સમક્ષ અન્ય  કોર્ટ સુનાવણી સાથે સમાપ્ત થશે. પરંતુ આ દરમિયાન માલ્યાને કાયદાકીય ખર્ચની જવાબદારી સંદર્ભે 2 લાખ પાઉન્ડની ચૂકવણી તો કરવી જ પડશે. જજ હેનશોએ આઠ મેના રોજ પોતાના ચુકાદામાં માલ્યાની સંપત્તિઓને જપ્ત કરવાના વિશ્વવ્યાપી આદેશને પલટવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમણે આ અંગે ભારતની એક કોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો જેમાં 13 બેંકોના સમૂહને માલ્યા પાસે લગભઘ 1.145 અબજ પાઉન્ડની વસૂલીનો અધિકાર છે.


આ બેંકોમાં ભારતીય સ્ટેટ બેંક, બેંક ઓફ બરોડા, કોર્પોરેશન બેંક, ફેડરલ બેંક, આઈડીબીઆઈ બેંક, ઈન્ડિયન ઓવરસીસ બેંક, જમ્મુ કાશ્મીર બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ મૈસુર, યુકો બેંક, યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા તથા જેએમ ફાઈનાન્શિયલ એસેટ રિકંસ્ટ્રક્શન કંપની સામેલ છે.


ઉલ્લેખનીય છે કે ભારતથી ભાગી ગયેલા માલ્યા પર ભારતીય બેંકોના લગભગ 9000 કરોડ રૂપિયાના બાકી લેણા છે. માલ્યા પોતાને ભારતને પ્રત્યાર્પિત કરવા વિરુદ્ધ એક અલગ કેસ લડી રહ્યો છે. આ મામલે લંડનની એક કોર્ટમાં અંતિમ સુનાવણી આગામી મહિને થવાની છે.