લંડનઃ UK Political Crisis: બ્રિટનના પ્રધાનમંત્રી લિઝ ટ્રસે કંઝર્વેટિવ પાર્ટીમાં પોતાના નેતૃત્વ વિરુદ્ધ બળવા બાદ ગુરૂવારે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. ડાઉનિંગ સ્ટ્રીટની બહાર તેમણે કહ્યું- હું જનાદેશને નિભાવી શકી નહીં. ટ્રસે કહ્યું કે તેમણે કિંગ ચાર્લ્સને જણાવ્યું કે તે કંઝર્વેટિવ પાર્ટીના નેતાના રૂપમાં રાજીનામું આપી રહ્યાં છે. ટ્રસ માત્ર 45 દિવસ સુધી પ્રધાનમંત્રી રહ્યાં. કોઈપણ બ્રિટિશ પ્રધાનમંત્રીનો આ સૌથી નાનો કાર્યકાળ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે બ્રિટન
તેના એક દિવસ પહેલા બ્રિટનના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને રાજીનામું આપી દીધુ હતું. નોંધનીય છે કે બ્રિટન આ સમયે આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. લિઝ ટ્રસ પ્રધાનમંત્રી બન્યા બાદ સતત બજારમાં ઘટાડો જોવા મળ્યો અને તેનાથી તેની કંઝર્વેટિવ પાર્ટી પણ તૂટવા લાગી હતી. સતત બની રહેલા રાજકીય દબાવ વચ્ચે લિઝ ટ્રસે આજે પોતાનું પદ છોડવા માટે મજબૂર થવું પડ્યું છે. પરંતુ બ્રિટનને નવા પ્રધાનમંત્રી મળે ત્યાં સુધી તે આ પદ પર કાર્યભાર સંભાળશે. 


જનતાના વિરોધનો સામનો કરવો પડ્યો
નોંધનીય છે કે પીએમ પદની ચૂંટણીના પ્રચાર દરમિયાન લિઝ ટ્રસે બ્રિટનની આર્થિક સ્થિતિને સુધારવા માટે જે વચન આપ્યા હતા તે તેમની ખુરશી માટે ખતરો બની ગયા. લિઝ ટ્રસે સત્તા સંભાળી ત્યારથી બ્રિટનમાં મોંઘવારી આસમાને છે. આ કારણે ટ્રસ સરકારે લોકોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. લોકોના વિરોધ અને રાજકીય દબાવ વચ્ચે નાણામંત્રી ક્વાસી કાર્ગેટે પોતાના પદેથી રાજીનામુ આપવું પડ્યું હતું. ત્યારબાદ નવા નાણામંત્રી જેરમી હંટને બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં. ધીરે-ધીરે ટ્રસનો વિરોધ તેની પાર્ટીના સાંસદો કરવા લાગ્યા હતા. 


મંત્રીસ્તરીય ક્વાડ લઈ શકે છે ટ્રસની જગ્યા
ડેલી મેલના રિપોર્ટ અનુસાર યૂગાવના એક સર્વેમાં જાણવા મળ્યું કે પાર્ટીના પાંચમાંથી ચાર કાર્યકર્તાઓએ કહ્યું કે પ્રધાનમંત્રી ખરાબ કામ કરી રહ્યાં છે અને 55 ટકાને વિશ્વાસ હતો કે તેમણે પદ છોડવું જોઈએ, જ્યારે માત્ર 38 ટકાએ ટ્રસનું સમર્થન કર્યું હતું. તો ટોરી સાંસદોએ સૂચન કર્યું કે બ્રિટનના પ્રધાનમંત્રી લિઝ ટ્રસની જગ્યાએ ચાર વરિષ્ઠ મંત્રીઓની નિમણૂંક કરવામાં આવે, કારણ કે પાર્ટી એક એવા ઉત્તરાધિકારીને શોધી રહી છે, જે પાર્ટીને એક કરી શકે. હવે જોવાનું રહેશે કે આગળ બ્રિટનની રાજનીતિમાં શું થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube