Rishi Sunak એ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, રશિયાએ શું કહ્યું તે ખાસ જાણો
બ્રિટનના નવા પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળતાની સાથે જ ઋષિ સુનક એક્શનમાં આવી ગયા અને તેમણે પોતાનું કામ શરૂ કરી દીધુ છે. પીએમ બન્યા બાદ ઋષિ સુનકે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કી સાથે વાત કરી.
બ્રિટનના નવા પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળતાની સાથે જ ઋષિ સુનક એક્શનમાં આવી ગયા અને તેમણે પોતાનું કામ શરૂ કરી દીધુ છે. પીએમ બન્યા બાદ ઋષિ સુનકે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કી સાથે વાત કરી. આ બધા વચ્ચે રશિયાએ પણ બ્રિટનની નવી સરકાર અંગે નિવેદન આપ્યું અને કહ્યું કે યુકે પાસેથી સારા સંબંધની કોઈ આશા નથી.
રશિયાનું નિવેદન
ઋષિ સુનકના પ્રધાનમંત્રી બન્યા બાદ રશિયાએ કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન રશિયાને બ્રિટન સાથે સંબંધોમાં સુધારની આશા કરવાનું કોઈ કારણ દેખાતુ નથી. ક્રેમલિનના પ્રવક્તા દમિત્રિ પેસકોવે ઋષિ સુનકના પ્રધાનમંત્રી બનવા પર નિવેદન આપતા કહ્યું કે રશિયાને નજીકના ભવિષ્યમાં બ્રિટન સાથે વધુ રચનાત્મક સંબંધ બનાવવા માટે કોઈ 'પૂર્વ શરત, આધાર કે આશા' દેખાતી નથી.
વાત જાણે એમ છે કે રશિયાએ આ વર્ષ ફેબ્રુઆરીમાં જ્યારે યુક્રેન પર હુમલો કર્યો ત્યારે બ્રિટને યુક્રેનનું સમર્થન કર્યું હતું અને ત્યારબાદથી રશિયા સાથેના તેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. બ્રિટન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીના પ્રમુખ સમર્થકોમાંથી એક છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન હતા ત્યારે તેમણે યુદ્ધગ્રસ્ત યુક્રેનની રાજધાની કીવ પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા.
ઋષિ સુનક અંગે જેલેન્સ્કીની ટ્વીટ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ ઋષિ સુનકને ટ્વીટ કરીને શુભેચ્છા પણ પાઠવી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે હું કામના કરું છું કે તમે બ્રિટિશ સમાજ અને સમગ્ર દુનિયા સામેના તમામ પડકારોનો સફળતાપૂર્વક સામનો કરો. હું યુક્રેન અને બ્રિટન રણનીતિક ભાગીદારીને એકજૂથ થઈને મજબૂત બનાવી રાખવા માટે તૈયાર છું.
અત્રે જણાવવાનું કે ઋષિ સુનક પ્રધાનમંત્રી બનતાની સાથે જ બ્રિટનના વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલીએ યુક્રેન અંગે ભારત સહિત અનેક દેશો સાથે ચર્ચા કરી અને યુક્રેનને સહયોગ આપવાની વાત કરી. ક્લેવરલીએ સૌથી પહેલા સિંગાપુરના વિદેશ મંત્રી વિવિયન બાલકૃષ્ણન સાથે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે વાત કરી. ત્યારબાદ ભારતના વિદેશમંત્રી એસ જયશંકર સાથે પણ વાત કરી. યુએઈના વિદેશમંત્રી શેખ અબ્દુલ્લા બિન જાયદ અલ નાહયાન, યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબા, તુર્કીના વિદેશમંત્રી મેવલુત કૈવુસોગ્લુ સાથે પણ વાત કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube