Ukraine Russia War: પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત, યૂક્રેન સંકટ પર 50 મિનિટ સુધી થઇ ચર્ચા
યૂક્રેન પર રશિયના હુમલાના 11 મા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદી અને પુતિન વચ્ચે યુક્રેન સંકટને લઈને લગભગ 50 મિનિટ સુધી વાતચીત થઈ હતી. આ દરમિયાન પુતિને વડાપ્રધાન મોદીને યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલી વાતચીત વિશે જાણકારી આપી હતી
યૂક્રેન પર રશિયના હુમલાના 11 મા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદી અને પુતિન વચ્ચે યુક્રેન સંકટને લઈને લગભગ 50 મિનિટ સુધી વાતચીત થઈ હતી. આ દરમિયાન પુતિને વડાપ્રધાન મોદીને યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલી વાતચીત વિશે જાણકારી આપી હતી. ભારત સરકારના સૂત્રોએ આ માહિતી આપી છે.
ભારત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, વાતચીત દરમિયાન પીએમ મોદીએ પુતિનને બંને દેશોના પ્રતિનિધિમંડળો વચ્ચે ચાલી રહેલી વાતચીત સિવાય યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કી સાથે સીધી વાત કરવાની અપીલ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ યુદ્ધવિરામની ઘોષણા કરવા અને લોકોને બહાર કાઢવા માટે સુમી સહિત યુક્રેનના ઘણા ભાગોમાં માનવતાવાદી કોરિડોર બનાવવા માટે રશિયાની પ્રશંસા પણ કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પુતિન સાથે વાતચીત દરમિયાન પીએમ મોદીએ સુમીમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાના મુદ્દાના મહત્વ પર ભાર મૂક્યો હતો. પુતિને પીએમ મોદીને નાગરિકોના સુરક્ષિત સ્થળાંતર માટે શક્ય તમામ સહયોગની ખાતરી આપી છે.
ઝેલેંસ્કી સાથે પીએમ મોદી શું વાત કરી?
રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરતા પહેલા પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી સાથે પણ ફોન પર વાત કરી હતી. આ દરમિયાન, તેમણે યુદ્ધગ્રસ્ત દેશમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં સહયોગ માટે રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીનો આભાર માન્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, "35 મિનિટની ટેલિફોનિક વાતચીત દરમિયાન, બંને નેતાઓએ યુક્રેનની વિકસતી સ્થિતિ પર ચર્ચા કરી હતી અને વડાપ્રધાન મોદીએ યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં યુક્રેન સરકાર દ્વારા આપવામાં આવેલી મદદ માટે રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીનો આભાર માન્યો હતો."
રશિયાએ 24 ફેબ્રુઆરીના રોજ કિવ પર લશ્કરી આક્રમણ શરૂ કર્યું ત્યારથી યુક્રેનિયન નેતા સાથે પીએમ મોદીની આ બીજી વાતચીત હતી. પ્રથમ વાતચીત 26 ફેબ્રુઆરીએ થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube