વોશિંગ્ટન/નવી દિલ્હી: અમેરિકાના મેસાચુસેટ્સના અનેક સ્થળો અને બોસ્ટન શહેરમાં ગુરુવારે રાતે ગેસની પાઇપ લાઇનમાં એક પછી એક લગભગ 70 સ્થળો પર વિસ્ફોટ અને ગેસ લિકેજની ઘટનાઓ સામે આવી છે. પોલીસના જણાવ્યાં મુજબ અનેક સ્થળો પર ગેસ ગળતરના પણ અહેવાલો છે. શહેરમાં હડકંપ મચી ગયો છે. આ વિસ્ફોટો બોસ્ટનના ઉત્તર વિસ્તારમાં થયા છે. અત્યાર સુધી 6 લોકોના ઘાયલ થવાના અહેવાલ છે. અન્ય રિપોર્ટ્સ મુજબ મેસાચુસેટ્સમાં અનેક ગેસ વિસ્ફોટોના પગલે 39 ઈમારતો અને ઘરોને જબરદસ્ત નુકસાન પહોંચ્યું છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેસાચુસેટ્સ સ્ટેટ પોલીસે કહ્યું કે જે વિસ્ફોટો થયા છે તે વિભિન્ન ઈમારતોના ઘરોમાં થયા છે. જો કે સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે મોટાભાગના વિસ્ફોટ આસપાસના વિસ્તારોમાં થયા છે. સુરક્ષાદળોએ સ્થાનિકોને ગંધ આવવા કે આગ પકડવાની શંકા હોવાના કારણે તરત ઘર ખાલી કરવાનો આગ્રહ  કર્યો છે. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે અહીંથી સેંકડો લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યાં છે.  લોકોને તેમના ઘરોમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે હાલ અભિયાન ચાલી રહ્યું છે. 



આટલા મોટા પ્રમાણમાં વિસ્ફોટો થવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ અધિકારીઓના જણાવ્યાં મુજબ તપાસ બાદ જ કારણ જાણી શકાશે. હાલ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે. વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યાં છે. ઈસ્ટ કોસ્ટ ટાઉન્સ ઓફ લોરેન્સ, એન્ડોવર, અને નોર્થ એન્ડોવર મેઈન વિસ્તારોમાં ગેસ લીકેજની ખબરો આવી રહી છે. આ વિસ્ફોટો બાદ બોસ્ટનના અલગ અલગ વિસ્તારોમાં આગ પણ લાગી છે. જેને ઓલવવા માટે મોટી સંખ્યામાં ફાયરકર્મીઓ હાજર છે.