પાકિસ્તાનને મોટો ફટકો, અમેરિકાએ 1.66 અબજ ડોલરની આર્થિક મદદ અટકાવી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચાલુ વર્ષે જે પ્રમાણે સંકેતો આપ્યા હતાં, હવે તે પ્રમાણે થતું જોવા મળી રહ્યું છે.
વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચાલુ વર્ષે જે પ્રમાણે સંકેતો આપ્યા હતાં, હવે તે પ્રમાણે થતું જોવા મળી રહ્યું છે. અમેરિકાએ પાકિસ્તાનને અપાનારી 1.66 અબજ ડોલરની સંરક્ષણ સહાય પર રોક લગાવી છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ રોબ મેનિંગે મંગળવારે ઈમેઈલ દ્વારા મોકલવામાં આવેલા સવાલોના જવાબમાં કહ્યું કે "પાકિસ્તાનને અપાનારી 1.66 અબજ ડોલરની સંરક્ષણ મદદ પર રોક લગાવવામાં આવી છે." આ અંગે વધુ કોઈ જાણકારી અપાઈ નથી.
પાકિસ્તાનથી હતાશ છે અમેરિકા
ઓબામા પ્રશાસન સમયે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને મધ્ય એશિયા માટે ઉપસહાયક સંરક્ષણ મંજ્ઞી તરીકે કામ કરી ચૂકેલા ડેવિડ સિડનીનું કહેવું છે કે પાકિસ્તાનને અપાનારી આ સૈન્ય સહાયતાને ચાલુ વર્ષ જાન્યુઆરીથી રોકવામાં આવી તે અમેરિકી હતાશાનો સંકેત છે. તેમણે કહ્યું કે પરંતુ હજુ સુધી પાકિસ્તાને અમેરિકાની મુખ્ય ચિંતાઓના નિરાકરણ માટે કોઈ પગલું ભર્યુ નથી. મુખ્ય ચિંતા એ છે કે "પાકિસ્તાન પોતાના પાડોશીઓ વિરુદ્ધ હિંસાનો ઉપયોગ કરતા સમૂહોને સહન કરે છે અને તેમને છાશવારે પ્રોત્સાહન આપે છે."
તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે પાકિસ્તાનના નેતાઓએ વચન આપ્યું હતું, પરંતુ કરણી બિલકુલ ઉલટી અને તેમણે કોઈ ગંભીર સહયોગ કર્યો નથી. આથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મોટાભાગના અમેરિકીઓ નિરાશ છે.
ટ્રમ્પે કરી હતી ટ્વિટ
રવિવારે ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુ અને સોમવારે બે ટ્વિટમાં ટ્રમ્પે કહ્યું હતું કે પાકિસ્તાન અમેરિકા માટે કશુ કરતું નથી. તેમણે આરોપ લગાવ્યો કે પાકિસ્તાનને ખબર હતી કે ઓસામા બિન લાદેન એબટાબાદમાં એક ભવનમાં રહે છે છતાં પાકિસ્તાનને અપાયેલા તમામ મદદ બેકાર ગઈ. તેને દર વર્ષે 1.3 અબજ ડોલરની સંરક્ષણ મદદ અપાતી હતી.
પરિણામે ટ્રમ્પે પાકિસ્તાનને અપાનારી તમામ સંરક્ષણ મદદમાં કાપ મૂકીને પોતાના નિર્ણયનો બચાવ કર્યો. પાકિસ્તાનના વડાપ્રધાને જવાબમાં એક ટ્વિટમાં લખ્યું કે તેમનો દેશ અમેરિકા તરફથી આતંકવાદ સામે લડવામાં ખુબ ભોગવી રહ્યો છે. તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું કે હવે અમે અમારા લોકો અને અમારા હિતમાં જે સારું હશે તે જ કરીશું. છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાનને અપાતી તમામ મદદમાં કાપ મૂકવાની માંગ કરતા સેનેટર રેન્ડ પોલે ટ્રમ્પના આ નિર્ણયનું સમર્થન કર્યું.
(ઈનપુટ-ભાષા)