મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે અમેરિકાએ UNSCમાં રજુ કર્યો પ્રસ્તાવ, ચીનને આપી ચીમકી
પુલવામા આતંકી હુમલાના દોષિત અને પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરને લઈને હવે ભારતને અમેરિકાનો મજબુત સાથ મળ્યો છે.
નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલાના દોષિત અને પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરને લઈને હવે ભારતને અમેરિકાનો મજબુત સાથ મળ્યો છે. ફ્રાન્સ અને બ્રિટન બાદ અમેરિકાએ બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આતંકી મસૂદ પર પ્રતિબંધ મૂકવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. અમેરિકાના આ પ્રસ્તાવનું ફ્રાન્સ અને બ્રિટને સમર્થન કર્યું છે.
જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે અમેરિકાના આ પ્રસ્તાવ પર વોટિંગ ક્યારે થશે. પરંતુ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચીન ફરી એકવાર વીટો પાવર વાપરશે. અમેરિકાએ આ પ્રસ્તાવ 15 સભ્યોની કાઉન્સિલમાં રજુ કર્યો છે. જેમાં કહેવાયું છે કે મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવો જોઈએ. આ સાથે જ તેની સંપત્તિઓ જપ્ત કરીને તેની વિદેશ મુસાફરીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. જેને ભારતની એક મોટી કૂટનીતિક સફળતા ગણવામાં આવી રહી છે.
હાલમાં જ ચીને ચોથીવાર મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરનારા પ્રસ્તાવ પર રોક લગાવી હતી. ચીન તરફથી આ રીતે ચોથીવાર વીટો પાવર વપરાયો હતો. જે ટેક્નિકલ હોલ્ડ તરીકે દર્શાવવામાં આવી હતી. ચીનનું કહેવું છે કે તે મસૂદને લઈને વધુ જાણકારીઓ અને તથ્યો ભેગા કરી રહ્યું છે. ચીનનો આ ટેક્નિકલ હોલ્ડ નવ મહિના સુધી માન્ય રહી શકે છે.
આ બાજુ જૈશ એ મોહમ્મદ 2001થી જ સંયુક્ત રાષ્ટ્રની આતંકીઓની સૂચિમાં સામેલ છે. ચીન સંયુક્ત રાષ્ટર સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યોમાંથી એક છે. ચીન ઉપરાંત અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન તેના સ્થાયી સભ્યો છે. જેમાંથી ફ્રાન્સ, અમેરિકા, અને બ્રિટન અત્યાર સુધી મસૂદ પર પ્રતિબંધ લગાવવા માટે UNSCમાં પ્રસ્તાવ રજુ કરી ચૂક્યા છે.
આ સાથે જ અમેરિકાએ ચીનને આ મામલે ફટકાર પણ લગાવી છે. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે ચીને એપ્રિલ 2017થી ઉઈગર સહિત અન્ય મુસલમાન અલ્પસંખ્યકોને પકડી રાખ્યા છે. તેમની સંખ્યા લગભગ 10 લાખ છે. ચીન તેમને છોડી મૂકે. તેમણે કહ્યું કે મુસ્લિમો સાથે ચીનનો આ પાખંડ હવે દુનિયા જરાય સહન નહીં કરે. એક બાજુ ચીન પોતાના ત્યાં લગભગ 10 લાખ મુસ્લિમોનું શોષણ કરે છે. બીજી બાજુ ઈસ્લામિક આતંકી સમૂહોને સંયુક્ત રાષ્ટ્રમાં પ્રતિબંધ કરાવતા બચાવી રહ્યું છે.
જુઓ LIVE TV