નવી દિલ્હી/વોશિંગ્ટન: અમેરિકાએ અફઘાનિસ્તાનના પૂર્વ કુનાર પ્રાંતમાં તહેરિક એ તાલિબાન પાકિસ્તાનના પ્રમુખ અને ટોચના આતંકી ફઝલુલ્લાહને ટારગેટ કરીને ડ્રોન હુમલો કર્યો. અમેરિકી સેનાએ અધિકૃત રીતે વોઈસ ઓફ અમેરિકા દ્વારા પુષ્ટિ કરી છે. આ કુખ્યાત આતંકી ડ્રોન હુમલામાં માર્યો ગયો હોવાના અહેવાલ છે. મુલ્લા તહેરિક એ તાલિબાનનો પ્રમુખ છે. તે અનેક આતંકી ષડયંત્રોમાં સામેલ રહ્યો છે. તેણે જ મલાલા યુઝુફઝઈ પર હુમલો કરાવ્યો હતો. કથિત રીતે તેણે 2010માં ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેર ઉપર પણ હુમલો કરવાનો પ્લાન કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેફ્ટેનન્ટ કર્નલ માર્ટેન ઓડોનેલે આ જાણકારી આપતા કહ્યું કે અમેરિકી સેના દ્વારા અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના બોર્ડર ક્ષેત્ર સ્થિત કુનાર પ્રાંતમાં આતંકીઓના ખાત્મા માટે 13 જૂનથી જ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ હુમલામાં મુલ્લાને નિશાન બનાવવામાં આવ્યો. તેમના તરફથી જણાવવામાં આવ્યું કે તહેરિક એ તાલિબાન કે જે અલ કાયદાનું નજીકનું સંગઠન છે તેણે જ ફૈઝલ શહજાદને ટાઈમ્સ સ્ક્વેરમાં હુમલો કરવાની ટ્રેનિંગ આપી હતી.



આ આતંકી સમૂહે ડિસેમ્બર 2014માં પેશાવરના આર્મી સ્કૂલ ઉપર હુમલો કર્યો હતો. જેમાં લગભગ 150 લોકોના મોત થયા હતાં જેમાં 132થી વધુ બાળકો સામેલ હતાં. જ્યારે 9 જેટલા લોકો સ્કૂલનો સ્ટાફ હતાં. 245થી વધુ લોકો ઘાયલ થયા હતાં. ઉલ્લેખનીય છે કે અમેરિકા અફઘાનિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં ઉછરી રહેલા આતંકવાદ પર કડક વલણ અપનાવી રહ્યું છે.


હાલમાં જ અમેરિકાએ ત્રણ મોટા પાકિસ્તાની આતંકીઓની જાણકારી આપનારાઓને ઈનામની જાહેરાત કરી હતી. જેની કુલ ઈનામી રકમ 70 કરોડ રૂપિયા હતાં. આ યાદીમાં મુલ્લા ફઝલુલ્લાહ પર 5 મિલિયન ડોલર ( લગભગ 32 કરોડ રૂપિયા) અને અબ્દુલ વલી અને મનાલ વાઘ પર 3-3 મિલિયન ડોલર (લગભગ 19-19 કરોડ રૂપિયા)નું ઈનામ રાખવામાં આવ્યું હતું. આ અગાઉ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં એક ડ્રોન હુમલો કરાવ્યો હતો જેમાં કથિત રીતે મુલ્લાનો પુત્ર પણ માર્યો ગયો હતો.