Palestine વિરુદ્ધ જંગમાં ઈઝરાયેલને મળ્યો US નો સાથ, બાઈડેને નેતન્યાહૂને કહ્યું- `તમને તમારી સુરક્ષાનો હક`
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા તણાવ પર અમેરિકાનું પણ નિવેદન સામે આવ્યું છે.
વોશિંગ્ટન: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા તણાવ પર અમેરિકાનું પણ નિવેદન સામે આવ્યું છે. રાષ્ટ્રપતિ જો બાઈડેને ઈઝરાયેલનો પક્ષ લેતા કહ્યું કે તેને પોતાની સુરક્ષાનો પૂરો હક છે. એક પ્રકારે બાઈડેને સ્પષ્ટ કરી દીધુ છે કે તે ઈઝરાયેલની સાથે છે અને જો ભવિષ્યમાં બંને દેશોની આ લડાઈ વૈશ્વિક રૂપ ધારણ કરે તો અમેરિકા ઈઝરાયેલના સમર્થનમાં ઊભું રહેશે. આ અગાઉ તુર્કીએ પેલેસ્ટાઈનના સમર્થનમાં નિવેદન આપ્યું હતું.
બાઈડેને જતાવી આ આશા
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મને આશા છે કે આ સંઘર્ષ જલદી સમાપ્ત થશે. પરંતુ હું એ પણ કહેવા માંગુ છું કે ઈઝરાયેલને પોતાની રક્ષા કરવાનો હક છે. જ્યારે પોતાની સરહદમાં હજારોની સંખ્યામાં રોકેટ આવતા હોય તો તમારે તમારી રક્ષા માટે પગલું ભરવું પડશે. બાઈડેને કહ્યું કે તેમણે આ અંગે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત પણ કરી છે.
ઈઝરાયેલે પેલેસ્ટાઈનને આંખ ફેરવી સંભળાવી દીધુ
અમેરિકાએ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના ઘર્ષણને ખતમ કરવા માટે કોશિશો શરૂ કરી દીધી છે. ઈજિપ્ત અને કતારમાં પોતાના રોજનયિકોને ત્યાં મોકલ્યા છે. જો કે જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તે જોતા એવું લાગે છે કે આ જંગ જલદી ખતમ થશે નહીં. ઈઝરાયેલે ચોખ્ખુ સંભળાવી દીધુ છે કે જ્યાં સુધી તે પોતાના પર થયેલા એક એક હુમલાનો બદલો નહીં લે ત્યાં સુધી તે શાંતિથી બેસશે નહીં. અત્રે જણાવવાનું કે સોમવાર સાંજે શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 60થી વધુ પેલેસ્ટાઈની માર્યા ગયા છે. જ્યારે 6 ઈઝરાયેલીના પણ મોત થયા છે.
રશિયાએ કરી મીટિંગની માગણી
આ બાજુ રશિયાએ તણાવના ઉકેલ માટે જેમ બને તેમ જલદી મધ્યસ્થીઓની બેઠકની માગણી કરી છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું કે તત્કાળ એક ઈમરજન્સી બેઠક બોલાવવી જોઈએ. જેમાં અમેરિકા, યુરોપીયન સંઘ. રશિયા અને સંયુક્ત રાષ્ટ્ર સામેલ થાય. લાવરોવે યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે સાથે વાત કર્યા બાદ આ નિવેદન આપ્યું. તેમણે આશા જતાવી કે યુએન આ અંગે કઈંક કરશે.
ઈદોર્ગને પુતિન સાથે કરી વાત
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે છેડાયેલો ખૂની સંઘર્ષ હવે યુદ્ધનું સ્વરૂપ પણ લઈ શકે છે. જે પ્રકારે તુર્કી અને રશિયા આ મુદ્દે જોઈ રહ્યા છે તેનાથી આશંકા પેદા થઈ છે કે આ સંઘર્ષ બે દેશો સુધી સિમિત રહેશે નહીં. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એદોર્ગને આ અંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે ફોન પર વાત કરી. એદોર્ગને પુતિનને કહ્યું કે પેલેસ્ટાઈન પ્રત્યે ઈઝરાયેલે જે વલણ અપનાવ્યું છે તેના માટે થઈને તેને આકરો પાઠ ભણાવવાની જરૂર છે.
બંને વચ્ચે ફોન પર થયેલી વાતચીતમાં એદોર્ગને રશિયાના રાષ્ટ્રપતિને કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે ઈઝરાયેલને કડક અને કઈક અલગ પાઠ ભણાવવો જોઈએ. તુર્કીના રાષ્ટ્રપતિ સંચાર નિદેશાલયના જણાવ્યાં મુજબ બને દેશના નેતાઓએ બુધવારે ટેલિફોન પર જેરૂસેલમના વિવાદિત વિસ્તાર અંગે ચર્ચા કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube