અમેરિકાની ચૂંટણી સીઝનમાં અલગ અલગ સમુદાયોને સાંધવાની ભરપૂર કોશિશ થઈ રહી છે. દિવાળીના તહેવાર પર હવે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશના હિન્દુઓની વાત કરી છે. દિવાળીની શુભકામનાઓ આપતા તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓની આકરી ટીકા કરી. રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ટ્રમ્પે કહ્યું કે બાંગ્લાદેશ સંપૂર્ણ રીતે અરાજકતાની સ્થિતિમાં છે. તેમણે આરોપ  લગાવ્યો કે ડેમોક્રેટિક પાર્ટીના તેમના પ્રતિસ્પર્ધી અને હાલના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને રાષ્ટ્રપતિ જો બાઈડેને દુનિયાભર અને અમેરિકામાં હિન્દુઓની અવગણના કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રમ્પે એક પોસ્ટમાં કહ્યું કે, હું હિન્દુઓ, ઈસાઈઓ અને બીજા અલ્પસંખ્યકો વિરુદ્ધ બર્બર હિંસાની આકરી ટીકા કરું છું, જેમના પર બાંગ્લાદેશમાં ભીડ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને લૂટફાટ થઈ રહી છે. બાંગ્લાદેશમાં સંપૂર્ણ રીતે અરાજકતાની સ્થિતિ છે. 



નોંધવા જેવી વાત એ છે કે પહેલીવાર ટ્રમ્પે બાંગ્લાદેશ મુદ્દે વાત કરી છે. જુલાઈ-ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં જ્યારે વિદ્યાર્થી આંદોલન મોટા પાયે હિંસક વિરોધ પ્રદર્શનોમાં ફેરવાઈ ગયું હતું ત્યારે સેંકડો હિન્દુઓની હત્યા કરાઈ હતી. પૂર્વ રાષ્ટ્રપતિએ ભારત સાથે સંબંધોને મજબૂત કરવાનો સંકલ્પ લીધો. આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીને પોતાના સારા મિત્ર ગણાવ્યા. 


ટ્રમ્પે કહ્યું કે, મારા પ્રશાસનમાં અમે ભારત અને મારા સારા મિત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે અમારી મહાન ભાગીદારીને પણ મજબૂત કરીશું. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે બધાને દિવાળીની શુભકામનાઓ. મને આશા છે કે રોશનીનો આ તહેવાર બુરાઈ પર અચ્છાઈની જીત સુનિશ્ચિત કરશે. 


(ભાષા)