US Presidential Election 2024: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવશે તો ભારતને ફાયદો થશે કે નુકસાન? જાણો શું કહે છે ટ્રમ્પનું વલણ
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે! અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના જે પ્રકારે ટ્રેન્ડ આવી રહ્યા છે તેણે લગભગ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તો ભારતને ફાયદો થશે કે નુકસાન....ખાસ જાણો.
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલુ છે જો કે જે પ્રકારે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે તેમાં ડોનાલ્ડ ટ્રમ્પને બહુમત મળ્યો છે. હાલમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસથી આગળ ચાલી રહ્યા છે. અમેરિકાના સ્વિંગ સ્ટેટ્સમાં પણ ટ્રમ્પની લીડ ચાલુ છે. આવી સ્થિતિમાં જો ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બને તો તેની ભારત પર શું અસર થઈ શકે છે તે પણ સમજવા જેવું છે.
ટ્રેન્ડમાં બહુમત મેળવ્યું
અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીની મતગણતરીના અત્યાર સુધીનાં જે ટ્રેન્ડ સામે આવ્યા છે તે મુજબ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે બહુમત મેળવ્યો છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ટ્રમ્પના ફાળે 277 ઈલેક્ટોરલ મત મેળવવાનું અનુમાન છે. ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તો તેની અસર ભારત પર પણ પડશે તે નિશ્ચિત છે. અત્રે જણાવવાનું કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. દિવાળીના તહેવાર પર ટ્રમ્પે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર એક પોસ્ટ શેર કરીને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના મિત્ર ગણાવ્યા હતા. જ્યારે તેમની સરકાર સત્તામાં આવશે ત્યારે તેમણે બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ આગળ વધારવાનું વચન પણ આપ્યું છે.
બાંગ્લાદેશી હિન્દુઓ પર નિવેદન
ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશમાં તાજેતરના બળવા દરમિયાન હિંદુઓ અને અન્ય લઘુમતીઓ સામે થયેલી હિંસાની પણ આકરી નિંદા કરી હતી. નોંધનીય છે કે અત્યાર સુધી એવા ઘણા અહેવાલો સામે આવ્યા છે જે પુષ્ટિ કરે છે કે બાંગ્લાદેશમાં બળવા પછી સેંકડો હિન્દુઓએ જીવલેણ હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો.
પીએમ મોદી અને ટ્રમ્પની કેમેસ્ટ્રી
ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચેની કેમેસ્ટ્રી પણ ઘણી ચર્ચામાં રહી છે. બંને નેતાઓ વચ્ચેના ગાઢ સંબંધો ઘણા હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમોમાં ઊડીને આંખે વળગ્યા હતા. 2019 માં ટેક્સાસમાં "હાઉડી મોદી!" કાર્યક્રમમાં ગજબનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં લગભગ 50,000 લોકોની સામે પીએમ નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે મિત્રતાભર્યા સંબંધ જોવા મળ્યા હતા. વિદેશી નેતા માટે અમેરિકામાં આયોજિત આ સૌથી મોટા મેળાવડામાંનો એક હતું.
તે જ સમયે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા હતા, ત્યારે પીએમ મોદીએ પણ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં તેમની યજમાની કરી હતી. આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિના સ્વાગત માટે 1 લાખ 20 હજારથી વધુ લોકો ત્યાં હાજર રહ્યા હતા. બંને નેતાઓ વચ્ચેનો આ તાલમેલ માત્ર પ્રતિકાત્મક નથી. બંને નેતાના રાષ્ટ્રવાદી વિચારો લગભગ સમાન છે. પીએમ મોદીનું 'ઈન્ડિયા ફર્સ્ટ' વિઝન અને ડોનાલ્ડ ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' નીતિ એકદમ સમાન છે, બંને નેતાઓ સ્થાનિક વિકાસ, આર્થિક રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સરહદોની સુરક્ષા પર ખુબ ભાર મૂકે છે.
આર્થિક અને વેપાર નીતિઓ
ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાની હેઠળનું વહીવટીતંત્ર સ્પષ્ટપણે અમેરિકા-કેન્દ્રિત વેપાર નીતિઓ પર ફોકસ કરશે. તે ભારત પર વેપાર અવરોધો ઘટાડવા અને ટેરિફનો સામનો કરવા માટે દબાણ પણ બનાવશે. આવી સ્થિતિમાં ભારતની આઈટી, ફાર્માસ્યુટિકલ્સ અને ટેક્સટાઈલ સેક્ટરની નિકાસને મોટા પાયે અસર થઈ શકે છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં ટ્રમ્પે આયાત ડ્યૂટીના મામલે ભારત માટે આંચકાજનક નિવેદન આપીને દુરુપયોગ કરનાર ગણાવ્યું હતું. તેમ છતાં તેમણે પીએમ મોદીના ભરપેટ વખાણ કર્યા અને તેમને અદ્ભુત વ્યક્તિ ગણાવ્યા હતા. મિશિગનના ફ્લિન્ટમાં એક ટાઉન હોલમાં વેપાર અને ટેરિફ પર ચર્ચા કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે ભારત આ મામલે મોટો દુરુપયોગ કરનાર દેશ છે. આ લોકો સૌથી હોશિયાર લોકો છે. તેઓ પછાત નથી, આયાતની બાબતમાં ભારત ટોચ પર છે, જેનો ઉપયોગ તે આપણી સામે કરે છે.
અત્રે જણાવવાનું કે ભારતીય ઉત્પાદનો માટે અમેરિકા એક વિશાળ બજાર છે. જો આંકડાઓ પર નજર ફેરવીએ તો ભારતે 2023-24માં અમેરિકાથી $42.2 બિલિયનના માલની આયાત કરી હતી. તે જ સમયે, ભારતે અમેરિકામાં અંદાજે 77.52 અબજ ડોલરની નિકાસ કરી હતી. આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો તેમની સરકાર આવશે તો તેઓ આ સ્થિતિને બદલી દેશે અને ટેરિફ ડ્યૂટી ઘટાડવા માટે ભારત પર દબાણ પણ બનાવશે. જો હજુ પણ કામ નહીં થાય તો તેમણે ભારતમાંથી નિકાસ થતી પ્રોડક્ટ્સ પર ટેક્સ વધારવાની ચેતવણી પણ આપેલી છે.
આ સિવાય ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે આયાત ડ્યૂટીના મામલે ભારત ખૂબ જ કડક છે, બ્રાઝિલ ખૂબ જ કડક છે. ચીન સૌથી કડક છે, પરંતુ અમે ટેરિફ સાથે ચીનનું ધ્યાન રાખતા હતા. આવી સ્થિતિમાં, જો ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકન કંપનીઓને તેમની સપ્લાય ચેન બીજે લઈ જવા અને ચીન પર તેમની નિર્ભરતા ઘટાડવા માટે પ્રોત્સાહિત કરે તો તે ભારતના પક્ષમાં કામ કરી શકે છે. આવી સ્થિતિમાં ભારત સાનુકૂળ નીતિઓ સાથે વધુ અમેરિકન કંપનીઓને આકર્ષી શકે છે. જેનાથી આર્થિક સંભાવનાઓને વેગ મળશે. જોકે, ટ્રમ્પ વહીવટીતંત્ર ટેરિફ ડ્યૂટી ઘટાડવા માટે ભારત પર દબાણ પણ સર્જી શકે છે.
સંરક્ષણ-સુરક્ષા
ચીનને લઈને ભારતની જે પણ ચિંતાઓ છે તે ડોનાલ્ડ ટ્રમ્પના વલણ સાથે મેળ ખાય છે. ટ્રમ્પ વહીવટીતંત્રના નેતૃત્વમાં ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સહયોગ વધુ સારી અને મજબૂત બનવાની ક્ષમતા ધરાવે છે. છેલ્લે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન, ભારત-પેસિફિક ક્ષેત્રમાં ચીનના પ્રભાવનો સામનો કરવા માટે અમેરિકા, ભારત, જાપાન અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સુરક્ષા ભાગીદારી ક્વાડને મજબૂત બનાવવામાં આવી હતી. ચીન અને પાકિસ્તાન જેવા પાડોશી દેશો સાથેના તણાવ વચ્ચે વધારાની સંયુક્ત લશ્કરી કવાયત, શસ્ત્રોનું વેચાણ અને ટેક્નોલોજી ટ્રાન્સફર ભારતની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવી શકે છે.
ઇમિગ્રેશન અને H-1B વિઝા નીતિઓ
ભારત માટે એક ચિંતાજનક મુદ્દો છે તે એ છે કે ઇમિગ્રેશન અંગે ટ્રમ્પની પ્રતિબંધિત નીતિઓ ખાસ કરીને H-1B વિઝા પ્રોગ્રામની યુએસમાં ભારતીય વ્યાવસાયિકો પર ભારે અસર પડી છે. આવી નીતિઓ પાછી ખેંચી લેવાથી ભારતીયો માટે યુએસ જોબ માર્કેટમાં નોકરી મેળવવી થોડી મુશ્કેલ બની જશે. ઉપરાંત, કોઈપણ ક્ષેત્ર કે જે ભારતીય કામદારો પર વધુ નિર્ભર છે તેને અસર થઈ શકે છે. આ સિવાય, કડક ઇમિગ્રેશન કાયદા ભારતીય ટેક કંપનીઓને અન્ય બજારો શોધવા અથવા સ્થાનિક બજારમાં વધુ તકો ઊભી કરવા માટે પ્રેરિત પણ કરી શકે છે.
ભૌગોલિક રાજકીય પ્રભાવ
દક્ષિણ એશિયામાં ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ ભારતના ક્ષેત્રીય હિતોને પણ અસર કરી શકે છે. વાત જાણે એમ છે કે હાલમાં ટ્રમ્પે પાકિસ્તાન સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ સંતુલિત અભિગમ અપનાવીને તેમણે આતંકવાદ વિરોધી પ્રયાસોમાં જવાબદારી પર ભાર મૂક્યો છે. જો કે, ટ્રમ્પના 'શક્તિ દ્વારા શાંતિ' મંત્રને કારણે, અમેરિકા આતંકવાદ અને ઉગ્રવાદ પર કડક વલણ અપનાવી શકે છે, જે ભારતના પક્ષમાં કામ કરી શકે તેમ છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ગત કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનને મળતી સૈન્ય મદદમાં પણ ઘટાડો કર્યો હતો.