વોશિંગ્ટન : પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન બાદ પણ અમેરિકા વલણ કડક જ દેખાઇ રહ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના પીએમ બનવા જઇ રહેલા ઇમરાન ખાનને મોટો ઝટકો આપ્યો છે. જેને લઇને સત્તામાં આવતાની સાથે જ જાણે ઇમરાન ખાન પર મુસીબતનો પહાડ આવી પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (IMF)ને ભલામણ કરી છે કે તે પાકિસ્તાનની નવી સરકારને કોઇ પણ પ્રકારે લોન ન આપે. એમણે ચીનના લોન દાતાઓને પણ આ અંગે ચેતવ્યા છે. ચીનની બેંક ચીન પાકિસ્તાન આર્થિક સંબંધો માટે નાણાં આપી રહી છે. આઇએમએફ જે કરશે એ ઉપર અમારી નજર છે. મીડિયામાં એવી વાત સામે આવી છે કે આઇએમએફ પાસેથી પાકિસ્તાન 12 અરબ ડોલરની મોટી રકમ લેવા ઇચ્છે છે. 


આઇએમએફએ સ્પષ્ટ કર્યું છે કે, એને હજુ સુધી પાકિસ્તાન તરફથી આ અંગે કોઇ દરખાસ્ત મળી નથી. આર્થિક સંકડામણમાં ફસાયેલ પાકિસ્તાન 1980થી આઇએમએફના 14 નાણાકીય સહાય યોજનાઓનો લાભ લઇ ચૂક્યું છે. આઇએમએફ, વિશ્વ બેંક અને ચીનની લોન ભરવામાં ચૂક ન થાય એ માટે પાકિસ્તાનને આગામી કેટલાક સમયમાં 3 અરબ ડોલરની જરૂર છે. 


પાકિસ્તાન પર હાલમાં ચીનનું અંદાજે 5 અરબ ડોલરનું દેવું છે. જેમાં સૌથી વધુ 50 અરબ ડોલરના સીપીઇસી અંતર્ગત બનનારી પરિયોજનામાં ખર્ચ કરાઇ રહ્યો છે. અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું કે, અમે પાકિસ્તાનની નવી સરકારની સાથે કામ કરવાની રાહ જોઇ રહ્યા છીએ. 


આ વર્ષના પ્રારંભે અમેરિકાએ પાકિસ્તાનને મોટો આંચકો આપ્યો હતો. અમેરિકાએ આતંકી સંગઠનો વિરૂધ્ધ કાર્યવાહી નહીં કરવા સુધી પાકિસ્તાનની સુરક્ષા સહાયતા અટકાવી દીધી હતી. સાથોસાથ ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનને લઇને અમેરિકાએ પાકિસ્તાનને નીચેની યાદીમાં મુકી દીધું છે. અમેરિકાએ પાકિસ્તાનને મળનારી તમામ પ્રકારની સૈન્ય મદદ અટકાવી દેવાની જાહેરાત કરી હતી. અમેરિકી વિદેશ વિભાગનું કહેવું છે કે, પાકિસ્તાન પોતાની જમીનથી આતંકવાદને ખતમ કરવામાં નિષ્ફળ રહેતાં આ કરવામાં આવ્યું છે. અમેરિકી વિદેશ વિભાગ તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં એવું કહેવાયું હતું કે, સૈન્ય મદદ ત્યાં સુધી બંધ રહેશે કે જ્યાં સુધી પાકિસ્તાન હક્કાની નેટવર્ક અને અફઘાન તાલિબાન વિરૂધ્ધ કાર્યવાહી ન કરે.