બેઈજિંગ: ચીનના શાંદોંગ પ્રાંતમાં એક પ્રસિદ્ધ હોટપોટ રેસ્ટોરન્ટમાં એક ગર્ભવતી મહિલાને પિરસવામાં આવેલા ભોજનમાં મરેલો ઉંદર નીકળ્યો જે રેસ્ટોરન્ટ માટે પનોતીનું કામ કરી ગયો. ત્યારબાદ રેસ્ટોરન્ટ બંધ કરાવી દેવામાં આવી. મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી અપાઈ. ગર્ભવતી મહિલા તેના પરિવાર સાથે 6 સપ્ટેમ્બરના રોજ શિયાબુ શિયાબુ નામની રેસ્ટોરન્ટમાં ગઈ હતી. થાળીમાં એક મરેલો ઉંદર ધ્યાનમાં આવ્યો. ઉંદરને જોયો તે પહેલા તો મહિલા તે ડીશનો કેટલોક ભાગ ખાઈ ચૂકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થાળીમાંથી તે મરેલા ઉંદરને કાઢ્યાનો વીડિયો ચીની સોશિયલ મીડિયા સાઈટ પર ઝડપથી વાઈરલ થઈ ગયો હતો. આ રેસ્ટોરન્ટ પોતાના હોટપોટ વ્યંજનો માટે પ્રસિદ્ધ છે. રેસ્ટોરન્ટે તે મહિલાને વળતર તરીકે 5,000 યુઆન (729 અમેરિકી ડોલર)ની રકમ આપવા કહ્યું. ઘટના બાદ આ રેસ્ટોરન્ટને અસ્થાયી રીતે બંધ કરી દેવાઈ છે. 



હોટલે ગર્ભપાત બદલ 20,000 યુઆનની રજુઆત કરી
મહિલાના પતિએ કહ્યું કે જ્યારે તેની પત્નીને ગર્ભમાં રહેલા બાળકની ચિંતા થઈ તો રેસ્ટોરન્ટના એક સભ્યે તેને ગર્ભપાતની સલાહ આપી દીધી. એટલું જ નહીં તે માટે તેણે 20,000 યુઆન આપવાની વાત પણ કરી. આ બાજુ જેવા સૂપમાંથી નીકળેલા મરેલા ઉંદરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા કે લોકોનો રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ પર ગુસ્સો ફાટી નીકળ્યો. 


રેસ્ટોરન્ટના શેર એક વર્ષમાં સૌથી નીચા સ્તરે
સૂપમાં મરેલો ઉંદર નીકળ્યો હોવાના અહેવાલ આવતા  રેસ્ટોરન્ટને 19 કરોડ ડોલરનું ભારે ભરખમ નુકસાન સહન કરવું પડ્યું છે. આ  રેસ્ટોરન્ટના શેર એક વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયાં. 11 સપ્ટેમ્બરના રોજ કંપનીના શેર ગત વર્ષ ઓક્ટોબર બાદ સૌથી નીચલા સ્તરે પહોંચી ગયાં. જો કે બુધવાર આવતા આવતા રેસ્ટોરન્ટની માર્કેટ વેલ્યુ ધીરે ધીરે પાછી વધવા લાગી હતી.