નવી દિલ્હી: થાઈલેન્ડમાં મંગળવારે થાઈ નેવી સીલ દ્વારા ચલાવવામાં આવેલા દુનિયાના સૌથી મોટા રેસ્ક્યુ ઓપરેશનનો સફળતાપૂર્વક અંત થયો. વાઈલ્ડ બોર ટીમના તમામ 12 બાળકો અને તેમના કોચ હાલ હોસ્પિટલમાં દાખલ છે. બે અઠવાડિયાથી વધુ સમય તેઓ પાણી ભરાયેલા અંધારી ગુફામાં ફસાયેલા હતા આથી તેમનું વજન ઓછુ થઈ ગયું છે. તેમના શરીરમાં ઓક્સિજનની કમી થઈ ગઈ છે. હોસ્પિટલમાં તેમને ઓક્સિજન સહિત અન્ય જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થાઈ પ્રશાસને એક વીડિયો જારી કર્યો છે જેમાં હોસ્પિટલમાં દાખલ બાળકોને દેખાડવામાં આવ્યાં છે. બાળકો બે હાથ જોડીને બધાનું અભિવાદન કરી રહ્યાં છે અને બચાવવા બદલ આભાર માની રહ્યાં છે. એક વીડિયોમાં હોસ્પિટલના સ્ટાફને દેખાડવામાં આવ્યો છે, કેટલીક નર્સો બાળકોની દશાને જોઈને રોતી જોવા મળી રહી છે. આ વીડિયો દુનિયાભરના લોકોએ જોયો અને પસંદ કરી રહ્યાં છે. આ પહેલો વીડિયો છે જેમાં બાળકોને દેખાડવામાં આવ્યાં છે.



મંગળવારે ખતમ થયેલા રેસ્ક્યુ ઓપરેશનને થાઈલેન્ડમાં એક ઉત્સવની જેમ મનાવવામાં આવ્યો. આખી દુનિયાએ આ ઓપરેશનની સફળતા પર ખુશી વ્યક્ત કરી. અત્રે જણાવવાનું કે થાઈલેન્ડની એક અંડર 19 ટીમ 23 જૂનના રોજ કોચ એક્કાપોલ સહિત ભારે વરસાદના કારણે થામ લુઆંગ ગુફામાં ફસાઈ ગઈ હતી. આ બાળકો ગુફામાં 4 કિમી સુધી અંદર જતા રહ્યાં હતાં.


થાઈ નેવી સીલે અનેક દેશની રેસ્ક્યુ ટીમો સાથે મળીને બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું ઓપરેશન હાથ ધર્યુ હતું. અનેક દિવસો સુધી ચાલેલા આ ઓપરેશનમાં બાળકો અને કોચને સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યાં. આ દરમિયાન ગુફામાં ઓક્સિજનની કમીના કારણે એક ગોતાખોરનું મોત પણ નિપજ્યું.


થાઈ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આ વીડિયોમાં બધા બાળકો ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે. વીડિયોને જોઈને દરેકે પ્રસન્નતા વ્યક્ત કરી છે.