વિજય માલ્યા ઈંગ્લેન્ડ સામેની ભારતની પાંચમી ટેસ્ટમાં ઓવલ મેદાન પર જોવા મળ્યા
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ ખાતે શરૂ થયેલી પાંચમી ટેસ્ટના પ્રથમ દિવસે વિજય માલ્યા ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા
કેનિંગ્ટન, ઓવલઃ ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા શુક્રવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટના પ્રથમ દિવસે ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રવેશ કરતાં જોવા મળ્યા હતા. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા એ વીડિયો રિલીઝ કરાયો છે, જમાં માલ્યા ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રવેશ કરી રહ્યા છે.
વિજય માલ્યા અત્યારે લંડનમાં ભારત સરકાર વતી સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલા પ્રત્યાર્પણ કેસનો સામનો કરી રહ્યા છે. આ અગાઉ, 3 સપ્ટેમ્બરના રોજ મુંબઈની એક વિશેષ અદાલત દ્વારા વિજય માલ્યાને આર્થિક અપરાધ અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં ત્રણ સપ્તાહના અંદર જવાબ દાખલ કરવા નોટિસ ફટકારવામાં આવી હતી.
માલ્યાને 24 સપ્ટેમ્બર સુદીમાં જવાબ આપવા માટે જણાવાયું છે. ત્યાર બાદ કોર્ટ સુનાવણી હાથ ધરશે. ઈડીએ કોર્ટને જણાવ્યું હતું કે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત કોર્ટ દ્વારા માલ્યાને જવાબ આપવા માટે કોઈ જ સમય ન આપવો જોઈએ. અત્યારે ઈડી માલ્યા દ્વારા આચરવામાં આવેલી આર્થિક છેતરપિંડીના કેસની તપાસ કરી રહી છે. ભૂતકાળમાં ઈડીએ દાખલ કરેલી બે ચાર્જશીટમાં તે પાકા પુરાવા રજુ કરી ચુકી છે.
ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યાની કિંગફિશર એરલાઈન્સ લિમિટેડે દેવાળું ફૂંક્યું છે અને આ ઉપરાંત યુપીએ-1ની સરકાર દરમિયાન વિજય માલ્યાએ વિવિધ બેન્કોમાંથી લોનો લીધી હતી, જે ભરપાઈ કરી નથી. માલ્યાના માટે લોનની વ્યાજ સહિતની બાકી રકમનો કુલ આંકડો અત્યારે રૂ.9,990.07 કરોડનો છે.
અગાઉ માલ્યાએ જણાવ્યું હતું કે, તે બેન્ક ડિફોલ્ટની બાબતે 'પોસ્ટર બોય' બની ગયા છે અને લોકોમાં તેમના પ્રત્યે નફરત પેદા થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, "મને રાજનેતાઓ અને મીડિયા દ્વારા એક આરોપી તરીકે ચીતરવામાં આવ્યો છે, જાણે કે હું મેં કોઈ મોટી ચોરી કરી હોય અને કિંગફિશર એરલાઈન્સ માટે જે લોન લીધી હતી તે રૂ.9,000 કરોડ લઈને હું ભાગી ચૂક્યો છું એવું દર્શાવાઈ રહ્યું છે. કેટલીક બેન્કોએ મને વિલફૂલ ડિફોલ્ટર જાહેર કરેલો છે."