લંડન: ભાગેડુ કારોબારી વિજય માલ્યાએ પોતાનું લંડનવાળું આલીશાન ઘર ખાલી કરવું પડશે. બ્રિટિશ કોર્ટે માલ્યાની અરજી ફગાવી દીધી છે. ત્યારબાદ હવે તેની પાસે ઘર છોડવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. હકીકતમાં થોડા સમય પહેલા માલ્યાને આ ઘર ખાલી કરવાનો આદેશ અપાયો હતો. જેના વિરુદ્ધ તેણે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેની આ અરજીને કોર્ટે ફગાવી દીધી છે. અત્રે જણાવવાનું કે વિજય માલ્યાનું ઘર ખાલી કરાવવાનું ભારત સરકારની કાર્યવાહીનો ભાગ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ થઈ રહી છે આ કાર્યવાહી?
સ્વીસ બેંક યુબીએસ (UBS) સાથે લાંબા સમયથી ચાલી રહેલા કાનૂની વિવાદમાં વિજય માલ્યાને આ ઘર ખાલી કરવાનો આદેશ અપાયો હતો. ઘર ખાલી થતા જ સ્વીસ બેંક તેના પર કબજો જમાવી લેશે અને તેને વેચીને માલ્યાના બાકી રકમ મેળવી લેશે. માલ્યાને લાગેલા આ ઝટકાથી ભારતને કોઈ ફાયદો થવાનો નથી. એટલું જરૂર છે કે માલ્યાની મુશ્કેલી જોઈને તેણે જેને પરેશાન કર્યા હતા તે લોકોને રાહત ચોક્કસ મળશે. 


વધારાનો સમય આપવાની ના પાડી
લંડન હાઈકોર્ટના ચાંસરી ડિવિઝનના ન્યાયાધીશ મેથ્યુ માર્શે પોતાના ચુકાદામાં કહ્યું કે માલ્યા પરિવારને બાકી રકમની ચૂકવણી માટે વધુ સમય આપવાનો કોઈ આધાર નથી. તેનો અર્થ એ છે કે માલ્યાને આ સંપત્તિમાંથી બેદખલ કરાઈ શકે છે. માલ્યાએ સ્વીસ બેંકને 2.04 કરોડ પાઉન્ડ ચૂકવવાના છે. માલ્યાના લંડન સ્થિત આ ઘરમાં તેની 95 વર્ષની માતા રહે છે. 


બ્રિટનમાં જામીન પર છે માલ્યા
માલ્યા માર્ચ 2016માં બ્રિટન ભાગી ગયો હતો. તે ભારતમાં 9000 કરોડ રૂપિયાની હેરાફેરી અને મની લોન્ડરિંગ મામલે વોન્ટેડ છે. આ રકમ કિંગફિશર એરલાઈન્સને અનેક બેંકોએ આપી હતી. 65 વર્ષનો માલ્યા હાલ બ્રિટનમાં જામીન પર છૂટેલો છે. કહેવાય છે કે પ્રત્યાર્પણ પ્રક્રિયા સંલગ્ન એક અલગ કેસમાં દેશમાં શરણ દેવાના મુદ્દે ગોપનીય કાનૂની કાર્યવાહીનું સમાધાન થાય ત્યાં સુધી તે જામીન પર રહી શકે છે. નોંધનીય છે કે ભારતની બેંકોએ અત્યાર સુધીમાં પોતાની ઘણી રકમ રિકવર કરી લીધી છે. બેંકોનું કન્સોર્ટિયમ બેવાર માલ્યાના શેર વેચી ચૂક્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube