પૂર્વ કમાન્ડરની ચેતવણી, અમેરિકા-ચીન વચ્ચે થઈ શકે છે યુદ્ધ
યુરોપમાં અમેરિકી સેનાના પૂર્વ કમાન્ડરે બુધવારે જણાવ્યું કે એવી આશંકા છે કે આગામી 15 વર્ષમાં અમેરિકાનું ચીન સાથે યુદ્ધ થશે.
વારસો: યુરોપમાં અમેરિકી સેનાના પૂર્વ કમાન્ડરે બુધવારે જણાવ્યું કે એવી આશંકા છે કે આગામી 15 વર્ષમાં અમેરિકાનું ચીન સાથે યુદ્ધ થશે. સેવાનિવૃત્ત લેફ્ટેનન્ટ જનરલ બેન હોજેજે જણાવ્યું કે યુરોપીય સહયોગીઓએ રશિયા તરફથી મળી રહેલા પડકારોને જોતા પોતાની સુરક્ષા પોતે જ સુનિશ્ચિત કરવી પડશે. કારણ કે અમેરિકા પ્રશાંત મહાસાગરમાં પોતાના હિતોની રક્ષા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.
સુરક્ષા ફોરમને સંબોધિત કરી રહ્યા હતાં
હોજેજે વારસા સુરક્ષા ફોરમને સંબોધિત કરતા કહ્યું કે અમેરિકાને મજબુત યુરોપીય સ્તંભની જરૂર છે. હું માનુ છું કે આગામી 15 વર્ષમાં આપણે ચીન સાથે યુદ્ધમાં હોઈશું, જો કે એ જરૂરી નથી કે આવું બને જ..પરંતુ આશંકા પૂરેપૂરી છે. વારસો સુરક્ષા ફોરમની બે દિવસની બેઠકમાં મધ્ય યુરોપના નેતા, સૈન્ય અધિકારી અને રાજનેતા હાજર હતાં.
અમેરિકા પાસે ક્ષમતા નથી
હોજેજે કહ્યું કે ચીનના પડકારોને પહોંચી વળવા માટે પ્રશાંત અને યુરોપમાં જે કઈ થવાની જરૂર છે, તેને કરવા માટે અમેરિકા પાસે તેટલી ક્ષમતા નથી. વર્ષ 2014થી ગત વર્ષ સુધી હોજેજ યુરોપમાં અમેરિકી સેનાના કમાન્ડર હતાં. તેઓ હજુ પણ સેન્ટર ફોર યુરોપીયન પોલીસી એનાલિસિસમાં રણનીતિક વિશેષજ્ઞ છે. તે વોશિંગ્ટનની એક શોધ સંસ્થાન છે. તેમણે કહ્યું કે ભૂરાજનીતિક પ્રાથમિકતાઓ બદલાયા બાદ પણ નાટો પ્રત્યે અમેરિકાની પ્રતિબદ્ધતા 'સ્થિર' છે.