ગભરાયેલા પાક. પીએમ ઈમરાન ખાને કહ્યું, `અમે દરેક મુદ્દે વાટાઘાટો કરવા તૈયાર`
પાક. વડા પ્રધાને કહ્યું કે, વિશ્વના ઈતિહાસમાં યુદ્ધથી ક્યારેય કોઈ વાતનું સમાધાન આવ્યું નથી, જો યુદ્ધ શરૂ થઈ જશે તો તે મારા કે નરેન્દ્ર મોદીના નિયંત્રણમાં નહીં રહે, જો તમે આતંકવાદના મુદ્દે કોઈ પણ પ્રકારની વાટાઘાટો કરવા માગો છો તો અમે તૈયાર છીએ
ઈસ્લામાબાદઃ મંગળવારે ભારતે કરેલા હવાઈ હુમલા અને બુધવારે પાકિસ્તાનના ફાઈટર વિમાનનો ભારતીય વાયુસેનાએ જે રીતે જવાબ આપ્યો તેના પછી પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન વાટાઘાટો માટે તૈયાર થઈ ગયા છે. ઈમરાને જણાવ્યું કે, વિશ્વના ઈતિહાસમાં યુદ્ધથી ક્યારેય કોઈ વાતનું સમાધાન આવ્યું નથી, જો યુદ્ધ શરૂ થઈ જશે તો તે મારા કે નરેન્દ્ર મોદીના નિયંત્રણમાં નહીં રહે, જો તમે આતંકવાદના મુદ્દે કોઈ પણ પ્રકારની વાટાઘાટો કરવા માગો છો તો અમે તૈયાર છીએ.
પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને જણાવ્યું કે, "વિશ્વના ઈતિહાસમાં તમામ યુદ્ધ ખોટી ગણતરીને કારણે જ શરૂ થયા છે. જેમણે પણ યુદ્ધની શરૂઆત કરી છે તેઓ એ જાણતા ન હતા કે તેનો અંત ક્યારે આવશે. આથી હું ભારતને કહેવા માગું છું કે, આપણી પાસે જે હથિયારો છે તેના કારણે શું આપણે ખોટી ગણતરી કરી રહ્યા છીએ?"
ભારતીય સીમામાં ઘુસી આવેલા પાકિસ્તાની વિમાનને ભારતે તોડી પાડ્યું: વિદેશ મંત્રાલય
ઉલ્લેખનીય છે કે, આજે એટલે કે બુધવારે વહેલી સવારે પાકિસ્તાનના ફાઈટર જેટે ભારતીય સરહદની અંદર પ્રવેશ કર્યો હતો. જેનો જવાબ આપવા ભારતીય મીગ વિમાનોએ તેનો પીછો કર્યો હતો. જેમાં ભારતીય વિમાનોએ પાકિસ્તાનનું એક F-16 વિમાન તોડી પાડ્યું હતું, જ્યારે ભારતનું પણ એક મીગ-21 વિમાન આ જવાબી કાર્યવાહીમાં તુટી પડ્યું હતું. ભારતનો એક પાઈલટ પણ ગાયબ હોવાનું ભારતના વિદેશ મંત્રાલયે સ્વીકાર્યું છે. જેની સામે પાકિસ્તાનનો દાવો છે કે, તેણે ભારતીય પાઈલટને પકડી લીધો છે. જોકે, ભારત આ અંગેની ખાતરી કરી રહ્યું છે.
દિલ્હીથી સમગ્ર ઉત્તર ભારતની વાયુ સીમા 3 મહિના માટે કરાઇ ખાલી
આ અગાઉ, ગઈકાલે મંગળવારે વહેલી પરોઢે 3.30 કલાકે ભારતના 12 મીરાજ વિમાન પાકિસ્તાનની સરહદમાં પ્રવેશી ગયા હતા અને 1000 કિલો જેટલા બોમ્બની વર્ષા કરી હતી. ભારતીય ફાઈટર જેટ માત્ર 21 મિનિટમાં જ તેમનું કામ પુરું કરીને ભારતીય સરહદની અંદર પાછા આવી ગયા હતા. આ 21 મિનિટમાં ભારતીય ફાઈટર વિમાનોએ POKની એલઓસી પર આવેલા બાલાકોટ, ચાકોઠી અને મુઝફ્ફરાબાદમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી શિબીરોમાં તબાહી મચાવી દીધી હતી. આ હુમલામાં 200થી 300 આતંકીનાં મોત થયાના અને અનેક આતંકવાદી ઠેકાણા તથા લોન્ચપેડનો સફાયો કરાયો હતો.